New Delhi News: દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. દિલ્હીમાં ઈન્ફલ્યુએન્ઝા Aના આશરે 3,000 કેસ સામે આવ્યા છે, જેમાં 2,308 કેસ H1N1 સાથે સંકળાયેલા હોવાનું જણાવાયું છે. વધતા કેસોને પગલે દિલ્હી સરકાર પણ સતર્ક બની છે અને હોસ્પિટલોમાં સારવારની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં હોસ્પિટલોમાં વધારાની તૈયારીઓ
કેસોમાં વધારા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે કટોકટી બેઠક યોજી હતી. આરોગ્ય પ્રધાન પંકજ કુમાર સિંહે જણાવ્યું કે હોસ્પિટલોમાં પૂરતા ડોક્ટરો, દવાઓ અને બેડ ઉપલબ્ધ છે. જરૂરિયાત પ્રમાણે વધારાના સંસાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દિલ્હીની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કોઈ દર્દીને જરૂરી બેડ અથવા સારવાર ન મળે તો સંબંધિત હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ICMRએ કહ્યું- આ કોઈ નવો વાયરસ નથી
ICMRના ડિરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ H1N1 કોઈ નવો વાયરસ નથી. આ વાયરસ 2009થી અસ્તિત્વમાં છે અને દર વર્ષે તેમાં થોડો ફેરફાર જોવા મળે છે. મોટાભાગના કેસ હળવા હોય છે અને લગભગ 99 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી નથી.
તેમણે એમ પણ જણાવ્યું કે દરેક વ્યક્તિ માટે H1N1 ટેસ્ટ કરાવવો જરૂરી નથી. ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓએ જ તબીબી સલાહ લેવી જોઈએ.
છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કેસ
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ત્રણ વર્ષની બાળકીનો H1N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકીને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણા પણ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યા બાદ જયપુરની SMS હોસ્પિટલના ICUમાં દાખલ છે.
ઉત્તર પ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે તમામ જિલ્લા હોસ્પિટલો અને મુખ્ય તબીબી અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. તાવના દર્દીઓની જરૂરિયાત મુજબ તાત્કાલિક તપાસ સુનિશ્ચિત કરવા પણ જણાવાયું છે. નોઇડામાં H1N1ના 15 કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગે 20 ICU બેડ તૈયાર રાખવાની વ્યવસ્થા કરી છે.
બાળકો અને વૃદ્ધોએ વધુ સાવચેતી રાખવી
ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને પહેલાથી કોઈ બીમારી ધરાવતા લોકોમાં H1N1ના ગંભીર લક્ષણોનું જોખમ વધુ હોઈ શકે છે. મેદાંતા હોસ્પિટલના ડૉ. ભરત ગોપાલના જણાવ્યા મુજબ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
સ્વાઈન ફ્લૂના સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ અને થાકનો સમાવેશ થાય છે. ડોક્ટરોની સલાહ વિના એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવું જોઈએ.
ટેસ્ટ અને સારવારનો ખર્ચ
ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના ટેસ્ટ માટે આશરે રૂ. 1,500થી રૂ. 5,000 સુધીનો ખર્ચ થઈ શકે છે, જ્યારે સરકારી હોસ્પિટલોમાં ટેસ્ટની સુવિધા ખૂબ ઓછા અથવા નજીવા ખર્ચે ઉપલબ્ધ હોઈ શકે છે.
ICMRના જણાવ્યા મુજબ હાલમાં ફેલાઈ રહેલો A/Missouri/11/2025 સ્ટ્રેન રસીમાં ઉપયોગમાં લેવાતા સ્ટ્રેન સાથે ઘણો મેળ ખાય છે. ખાસ કરીને વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને રસી અંગે ડૉક્ટરની સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે.
H1N1થી બચવા શું કરવું?
ડોક્ટરો લોકોને નિયમિત રીતે હાથ ધોવા, ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, બીમાર વ્યક્તિથી અંતર જાળવવા અને ખાંસી કે છીંક આવે ત્યારે મોં ઢાંકવાની સલાહ આપે છે.
જો શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ઓક્સિજનનું સ્તર 94 ટકાથી નીચે જાય જેવા ગંભીર લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વિના ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો પગપેસારો, વડોદરમાં 11 દર્દી નોંધાયા
આ પણ વાંચો: ગુજરાતમાં H3N2 ના નોંધાયા ત્રણ કેસ, સ્વાઈન ફ્લૂના 77 કેસ, એકનું મોત
આ પણ વાંચો: રાજ્યમાં સ્વાઈન ફલૂનો વધતો કહેર : એક મહિનામાં નોંધાયા 975 કેસો
