US Seizes Iran Crypto Fund: અમેરિકા અને ઇરાન(Iran) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વોશિંગ્ટને તેહરાનને અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક ઝટકો આપ્યો છે. અમેરિકાએ ઇરાન વિરૂદ્ધ આર્થિક દબાણ અભિયાનને વધુ તેજ કરીને તેની સાથે જોડાયેલા આશરે 1 અબજ ડોલરના (રૂપિયા 8000 કરોડથી વધુ) ક્રિપ્ટોકરન્સી ફંડ જપ્ત કરી લીધા હોવાનો સત્તાવાર દાવો કર્યો છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અમેરિકાના ‘ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી’ (Operation Economic Fury) હેઠળ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ઇરાનની નાણાકીય શક્તિને સંપૂર્ણપણે તોડી પાડવાનો છે.
ડિજિટલ વોલેટ્સ અને બેંક ખાતાઓ પર અમેરિકાનો કબજો
ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ફોક્સ બિઝનેસના એક કાર્યક્રમમાં ખુલાસો કર્યો હતો કે, અમેરિકાએ ઇરાનના(Iran) ક્રિપ્ટો ફંડને ફ્રીઝ કરીને સીધા જ તેમના ડિજિટલ વોલેટ્સ પર કબજો મેળવી લીધો છે. માર્ચ 2025 માં શરૂ કરાયેલા આ ઓપરેશન અંતર્ગત માત્ર ક્રિપ્ટો જ નહીં, પરંતુ ઇરાનના વિદેશી બેંક ખાતાઓ, આલીશાન વિલા અને સમગ્ર ફાઇનાન્સિયલ નેટવર્કને યુરોપીયન સાથી દેશોની મદદથી નિશાન બનાવવામાં આવ્યું છે. આ અગાઉ ઇરાનનું નેતૃત્વ વિવિધ માધ્યમો દ્વારા દર મહિને 40 થી 50 કરોડ ડોલર મેળવતું હતું, જે હવે આકરી કાર્યવાહીના કારણે સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.
Iran માં આર્થિક કટોકટી અને મોંઘવારી આસમાને
તાજેતરના અઠવાડિયામાં અમેરિકા દ્વારા લેવાયેલા આ સખત પગલાંના કારણે ઇરાનની કમર તૂટી ગઈ છે. દેશની આર્થિક સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ત્યાંના સૈન્ય અને સુરક્ષા કર્મચારીઓને સમયસર પગાર પણ મળી રહ્યો નથી. મોંઘવારી આસમાને પહોંચતા સરકારને જનતા માટે ફૂડ વાઉચર જેવી યોજનાઓ શરૂ કરવાની ફરજ પડી છે.
આ સૈન્ય અને આર્થિક દબાણના કારણે ઇરાનનું ટોચનું નેતૃત્વ હટી ચૂક્યું છે અને અમેરિકા હવે ત્યાંના ત્રીજા સ્તરના (Third Layer) નેતાઓ સાથે વાતચીત કરી રહ્યું છે. ઇરાનની સત્તા હાલ ધાર્મિક નેતૃત્વ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) વચ્ચે વહેંચાયેલી છે. બીજી તરફ, ઇરાનની દાદાગીરીથી કંટાળીને ખાડી દેશોએ (Gulf Countries) પણ અમેરિકાને ઇરાનના તેલ તેમજ બેંકિંગ નેટવર્કની ગુપ્ત માહિતી આપીને મોટો સહયોગ કર્યો છે.
આ પણ વાંચો : ફિલિસ્તીની કેદીઓ સાથે જેલમાં અત્યાચારના અહેવાલથી ભડક્યું ઇઝરાયલ, યુએન સાથે સંબંધો તોડ્યા!
આ પણ વાંચો : નદીઓ અને જંગલો વચ્ચે AI અને ડ્રોનથી થશે દેશની રક્ષા, જાણો શું છે બાંગ્લાદેશ બોર્ડરનો સ્માર્ટ પ્લાન
આ પણ વાંચો : રસોડામાં દેખાતા વંદા ચીનમાં રાતોરાત અબજોની કમાણી કેમ કરાવી રહ્યા છે? કારણ જાણીને ચોંકી જશો!

