Gujarat University VC Controversy: રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીના વહીવટી તંત્ર અને કુલપતિ (Vice-Chancellor) ની કામગીરી સામે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. NSUI નો આક્ષેપ છે કે જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC) સભ્યનો કાર્યકાળ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ચૂક્યો છે, તેમને યુનિવર્સિટીના સરકારી ખર્ચે દિલ્હી પ્રવાસ કરાવવામાં આવ્યો છે.
Gujarat University: 5 મેના રોજ કાર્યકાળ પૂર્ણ થયો હોવાનો દાવો
NSUI ગુજરાતના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આજે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી અંધાધૂંધી ચરમસીમાએ પહોંચી છે. તેમણે આક્ષેપ કર્યો કે, યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC) ના સભ્ય મનન દાણીનો કાર્યકાળ ગત 5 મે, 2026ના રોજ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયો છે. તેમ છતાં, યુનિવર્સિટીના સત્તાવાર કામકાજના બહાને કુલપતિ દ્વારા તેમને અન્ય ચાલુ સભ્યોની સાથે દિલ્હી લઈ જવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓના પૈસે મોજ-મસ્તી: પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી
નરેન્દ્ર સોલંકીએ વધુમાં વિગતો આપતા આક્રોશ ઠાલવ્યો હતો કે, ટર્મ પૂર્ણ કરી ચૂકેલા સભ્યને દિલ્હી લઈ જવા પાછળ ફ્લાઈટની ટિકિટો, લક્ઝુરિયસ હોટલમાં રોકાણ અને દિલ્હીમાં હરવા-ફરવા માટેની લક્ઝરી કાર સહિતનો તમામ આંધણ ગુજરાત યુનિવર્સિટીની તિજોરીમાંથી કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ફીના નાણાં અને યુનિવર્સિટીના ફંડનો ઉપયોગ શૈક્ષણિક વિકાસના બદલે વ્યક્તિગત સંબંધો નિભાવવા અને સહેલગાહ કરાવવા માટે થઈ રહ્યો છે, જે સીધો ભ્રષ્ટાચાર છે.
ખર્ચ વસૂલવાની અને ઉગ્ર આંદોલનની ચીમકી
આ વહીવટી ગેરરીતિ સામે NSUI દ્વારા તીવ્ર રોષ વ્યક્ત કરીને મુખ્ય ત્રણ માંગણીઓ અને ચેતવણીઓ ઉચ્ચારવામાં આવી છે, જેમાં સૌપ્રથમ જે વ્યક્તિની કાનૂની કે નૈતિક સત્તા જ પૂરી થઈ ગઈ હોય, તેને યુનિવર્સિટીના ખર્ચે પ્રવાસ કરાવવાની મંજૂરી કોણે આપી તેની તપાસ કરી જવાબદારી નક્કી થવી જોઈએ. આ ઉપરાંત દિલ્હી પ્રવાસ પાછળ થયેલો તમામ બિનજરૂરી ખર્ચ તુરંત વસૂલ કરવામાં આવે અને કુલપતિ આ મુદ્દે લેખિતમાં સ્પષ્ટતા કરે તેવી નાણાંની વસૂલાતની માંગ કરાઈ છે. અંતમાં એવી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે કે જો આ મામલે જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો વિદ્યાર્થીઓના હિત માટે NSUI આગામી દિવસોમાં યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર આંદોલન કરશે.
ગુજરાત યુનિવર્સિટીના વહીવટી તંત્રની આ કથિત બેજવાબદાર કામગીરી સામે હવે વિદ્યાર્થી સંગઠનો આકરા પાણીએ હોવાથી આગામી દિવસોમાં શૈક્ષણિક રાજકારણ વધુ ગરમાય તેવા એંધાણ છે.
