Ahmedabad News:ગુજરાતમાં નકલી પોલીસ અધિકારીઓના કૌભાંડો સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસે એક એવા નકલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ને ઝડપી પાડ્યો છે, જેણે પોલીસ સ્ટેશનમાં જ ફોન કરીને તપાસ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, તેની પત્નીને અશ્લીલ મેસેજ કરવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ અગાઉ ચાર ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોતાની જાતને પીએસઆઈ તરીકે રજૂ કરી તપાસની વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નકલી PSIની ધરપકડ

પોલીસ અધિકારીઓને તેની વાતચીતમાંથી જ શંકા ગઈ કે આ વ્યક્તિ નકલી હોઈ શકે છે. તુરંત તપાસ હાથ ધરવામાં આવી અને મહેસાણા પોલીસ સાથે સંપર્ક કરીને ચકાસણી કરવામાં આવી.તપાસમાં ખબર પડી કે મહેસાણામાં આવો કોઈ પીએસઆઈ ક્યારેય ફરજ પર નથી.આ પછી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો સામે આવી. આરોપીએ કોઈ યુવતીને અશ્લીલમેસેજ(Obscene message)મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, તેની સામે અગાઉ ચાર જુદા જુદા ગુના નોંધાયેલા છે, જેમાં છેતરપિંડી (Fraud) અને અન્ય આપરાધિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પોલીસ હવે આરોપીએ કયા કયા વિસ્તારોમાં અને કેટલા લોકોને છેતર્યા છે તેની ઊંડી તપાસ કરી રહી છે.

આ નકલી PSI અને તેની પત્નીએ સામાન્ય નાગરિકોને પણ છેતરવાનું કામ કર્યું હતું. આરોપીએ પોતાની જાતને વાડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ નલવાયા તરીકે રજૂ કરી એક લારીવાળા પાસે ખાવાનું પાર્સલ તૈયાર કરાવ્યું. પાર્સલનું બિલ 140 રૂપિયા હતું, પરંતુ લારીવાળાએ વારંવાર પૈસા માંગતા આરોપીએ ફોન તેની પત્નીને આપી દીધો. પત્નીએ ફોન પર કહ્યું કે, “પૈસા માંગવામાં શરમ નથી આવતી?” આ પછી લારીવાળો હતોડ થઈ ગયો અને પૈસા વગર જ પાર્સલ આપી દીધું.
એ જ રીતે, આરોપીએ રેપીડો બાઇક ચાલકને પણ છેતર્યો. રાઇડ પૂરી થયા પછી 40 રૂપિયાનું ભાડું ચૂકવવાને બદલે તેને પણ ચૂનો લગાવી દીધો. આ બંને ફરિયાદીઓએ અંતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં નકલી પીએસઆઈ દંપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
