World News/ ફિલિસ્તીની કેદીઓ સાથે જેલમાં અત્યાચારના અહેવાલથી ભડક્યું ઇઝરાયલ, યુએન સાથે સંબંધો તોડ્યા!

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના નવા અહેવાલમાં ઇઝરાયલી (Israel)જેલોમાં ફિલિસ્તીની કેદીઓ સાથે જાતીય હિંસાના આરોપો બાદ ઇઝરાયલે યુએન સેક્રેટરી જનરલની ઓફિસ સાથે સંબંધો તોડી નાખ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Israel

UN Israel Controversy 2026:  સંયુક્ત રાષ્ટ્રના (UN) એક નવા અહેવાલે ઇઝરાયલ (Israel) અને યુએન વચ્ચે મોટો રાજદ્વારી વિવાદ ઊભો કરી દીધો છે. આ સત્તાવાર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલી સુરક્ષા દળોએ ફિલિસ્તીની કેદીઓ વિરુદ્ધ જાતીય હિંસા, દુષ્કર્મ અને અમાનવીય સતામણીની અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે. આ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યા બાદ ઇઝરાયલે અત્યંત તીખી પ્રતિક્રિયા આપી છે અને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઓફિસ સાથેના તમામ સંબંધો તાત્કાલિક અસરથી ખતમ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

રિપોર્ટમાં ઇઝરાયલી સૈન્ય પર લાગ્યા સંગીન આરોપો

UN ના અહેવાલ અનુસાર, વર્ષ 2025 દરમિયાન ફિલિસ્તીની કેદીઓ વિરુદ્ધ જાતીય હિંસાના 31 પ્રમાણિત કેસોની ઓળખ કરવામાં આવી છે. આ કેસોમાં કેદીઓ સાથે બળાત્કાર, કુદરતી નિયમો વિરુદ્ધનું કૃત્ય, ખાનગી અંગો પર હિંસા, પરાણે કપડાં ઉતરાવવા અને અમાનવીય જાતીય પ્રતાડના જેવી ઘટનાઓ શામેલ છે. સ્દે તેમાન, મેગિડો અને રમલા જેવી વિવિધ જેલોમાં પુરુષો, છોકરાઓ અને મહિલા કેદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં કેટલાક પત્રકારો અને માનવાધિકાર કાર્યકરો પણ સામેલ હતા. અહેવાલમાં એવો પણ આક્ષેપ છે કે ઇઝરાયલે આ મામલે યુએનની તપાસ ટીમને પૂરતો સહયોગ આપ્યો ન હતો.

‘અમે હવે તમારી સાથે કામ નહીં કરીએ’ – Israel

આ રિપોર્ટ જાહેર થતાં જ ઇઝરાયલે(Israel) ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અમે હવે તમારી સાથે કોઈ કામ નહીં કરીએ. ઇઝરાયલી સૈનિકોને હમાસ જેવા સંગઠનો સાથે એક જ યાદીમાં મૂકવા એ તદ્દન અન્યાયી છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને શરમજનક અને પક્ષપાતી ગણાવતા કહ્યું કે, જ્યાં સુધી નવા મહાસચિવની નિમણૂક ન થાય, ત્યાં સુધી ઇઝરાયલ ગુટેરેસની ઓફિસ સાથે કોઈપણ પ્રકારનો સહયોગ નહીં કરે. બીજી તરફ, યુએન પોતાના નિષ્કર્ષ પર અડગ રહ્યું છે અને પ્રવક્તાએ જણાવ્યું છે કે રિપોર્ટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.


આ પણ વાંચો : આગામી 5 વર્ષ પૃથ્વી માટે ભારે, ‘સુપર અલ નીનો’ મચાવશે તબાહી અને તૂટશે પેરિસ કરારની મર્યાદા

આ પણ વાંચો : લેબેનોનમાં ફરી યુદ્ધ ભીષણ બન્યું, ઇઝરાયલે 300 ગામો ખાલી કરાવી ઝહરાની નદી પાર જવા આદેશ

આ પણ વાંચો : ભારતમાં વધતી ગરમી વચ્ચે “સુપર અલ નીનો”ની આશંકા, વિશ્વ હવામાન સંગઠનની ચેતવણી