Ahmedabad News: અમદાવાદના અત્યંત વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પરથી સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ (School Rickshaw Viral Video) થયેલા એક વીડિયોમાં સ્કૂલ રિક્ષાચાલક ક્ષમતા કરતાં અનેકગણા વધુ બાળકોને બેસાડીને ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર રિક્ષા ચલાવતો જોવા મળે છે. ઘટનાએ વાલીઓ અને શહેરવાસીઓમાં ભારે ચિંતા ઉભી કરી છે.
School Rickshaw Viral Video: બેગ લટકાવવાની જગ્યાએ ત્રણ બાળકોને બેસાડ્યા
વાયરલ વીડિયો (School Rickshaw Viral Video)માં સ્પષ્ટ જોવા મળે છે કે રિક્ષાની અંદર પહેલેથી જ બાળકો ખીચોખીચ ભરાયેલા છે. એટલું જ નહીં, રિક્ષાની પાછળ જ્યાં સામાન્ય રીતે સ્કૂલ બેગ લટકાવવામાં આવે છે, ત્યાં ત્રણ બાળકોને જીવના જોખમે બેસાડવામાં આવ્યા હતા. બાળકોના હાથ, પગ અને શરીરનો ભાગ રિક્ષાની બહાર દેખાતો હોવાથી કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી.
ચાલુ રિક્ષામાંથી બાળક પડતાં-પડતાં બચ્યું
વીડિયોમાં એક ક્ષણ એવી પણ કેદ થઈ છે જેમાં પાછળ બેઠેલું એક બાળક ચાલુ રિક્ષામાંથી નીચે પડતાં-પડતાં માંડ બચી જાય છે. આ દૃશ્યે સ્કૂલ વાહનોમાં સલામતીના નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.
વાયરલ વીડિયો બાદ તપાસ શરૂ
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (School Rickshaw Viral Video) થતાં સંબંધિત વિભાગે રિક્ષાના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. અધિકારીઓ રિક્ષાચાલકની ઓળખ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
પ્રચલિત નિયમો મુજબ 12 વર્ષથી ઓછી ઉંમરના વધુમાં વધુ 6 બાળકો અને 12 વર્ષથી વધુ ઉંમરના માત્ર 3 બાળકોને જ સ્કૂલ રિક્ષામાં બેસાડી શકાય છે. ઉપરાંત ડ્રાઇવરની બાજુમાં બાળકોને બેસાડવાની પણ મનાઈ છે. તેમ છતાં અનેક સ્થળોએ આ નિયમોનો ભંગ થતો હોવાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે.
વાલીઓ અને તંત્ર બંનેની જવાબદારી
આ ઘટનાએ માત્ર રિક્ષાચાલકોની બેદરકારી જ નહીં પરંતુ દેખરેખ અને અમલવારી અંગે પણ સવાલો ઊભા કર્યા છે. ટ્રાફિક પોલીસની હાજરી હોવા છતાં આવા ઓવરલોડ વાહનો રસ્તા પર કેવી રીતે દોડે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. બાળકોની સુરક્ષા માટે નિયમોનું કડક પાલન અને સતત ચકાસણી જરૂરી હોવાનું નિષ્ણાતો માને છે.
આ પણ વાંચો:સુરતમાં બાળકને ડ્રોપ કરવાનું ભૂલતા બ્રિજ પર જ સ્કૂલવાન રિવર્સ ચલાવી
આ પણ વાંચો:સુરતમાં સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી
આ પણ વાંચો:વલસાડના વાપીમાં જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, રિક્ષાની બહાર લટકતો યુવાન ચર્ચામાં
