Vadodara VMC Budget Sabha 2026: વડોદરા મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા આજે લોકશાહીના ઇતિહાસમાં યાદગાર બની ગઈ છે. એકતરફ સમય ફાળવણીના મુદ્દે થયેલા હોબાળા બાદ મેયરે કડક વલણ અપનાવી વિપક્ષના તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે, તો બીજી તરફ ભાજપના એક વરિષ્ઠ કાઉન્સિલરે ચાલુ સભામાં જ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.
વડોદરા પાલિકા (VMC)ના ઇતિહાસમાં પહેલીવાર બની ઘટના
બજેટ પરની ચર્ચા દરમિયાન વિપક્ષી સભ્યોને બોલવા માટે ફાળવવામાં આવેલા સમયના મુદ્દે ભારે ખેંચતાણ થઈ હતી. વિપક્ષી સભ્યોએ મેયર સામે ઉગ્ર વિરોધ નોંધાવી સભામાં હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ મેયર પિંકી સોનીએ શિસ્તભંગના પગલાં લેતા વિપક્ષના તમામ 7 સભ્યોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે આખેઆખા વિપક્ષને સભામાંથી બહાર કરી દેવામાં આવ્યો હોય.
પરાક્રમસિંહ જાડેજાની ચોંકાવનારી જાહેરાત: “હવે ચૂંટણી નહીં લડું”
સભામાં જ્યારે રાજકીય ગરમાવો હતો, ત્યારે વોર્ડ નંબર 3 ના ભાજપના પીઢ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ ઉભા થઈને જાહેરાત કરી કે, “હવેથી તેઓ કોઈ પણ પ્રકારની ચૂંટણી લડશે નહીં.” છેલ્લા 10 વર્ષથી ભાજપમાં સક્રિય અને સૌના માનીતા પરાક્રમસિંહે જણાવ્યું કે હવે નવા કાર્યકરોને તક મળવી જોઈએ. તેમણે ખાતરી આપી કે તેઓ ચૂંટણી નહીં લડે પણ આજીવન ભાજપના કાર્યકર તરીકે સેવા આપતા રહેશે અને નવા ઉમેદવારને જીતાડવાની જવાબદારી પણ પોતે લેશે.
મેયર અને વિપક્ષે પણ પાઠવી શુભેચ્છા
પરાક્રમસિંહની આ જાહેરાત બાદ સભામાં હાજર તમામ સભ્યો ભાવુક જોવા મળ્યા હતા. મેયર પિંકી સોનીએ જણાવ્યું કે, પરાક્રમસિંહ હંમેશા મહિલા કાઉન્સિલરોને ‘બેનબા’ કહીને સંબોધતા અને પિતાતુલ્ય પ્રેમ આપતા. વિપક્ષી સભ્ય પુષ્પા વાઘેલાએ પણ પરાક્રમસિંહના કામના વખાણ કર્યા હતા અને નવા સભાગૃહમાં તેમનું નામ જોડાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.
