Breaking News:ઉમરગામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રમણલાલ પાટકરના પુત્ર અને ધોડીપાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વિલાસ રમણલાલ પાટકરનું (Vilasbhai Patkar) શનિવારે અવસાન થયું છે. માત્ર 50 વર્ષની યુવાન વયે તેમના અકાળ અવસાનના સમાચાર મળતા જ સમગ્ર વલસાડ જિલ્લા તેમજ ઉમરગામ પંથકમાં શોકની લહેર છવાઈ ગઈ છે. લોકોના હૈયામાં વસેલા વિલાસ પાટકરને તેમના મિલનસાર સ્વભાવ, સાદગી અને ગરીબ-અસહાયો માટેની અનન્ય સેવાભાવી વૃત્તિને કારણે વિસ્તારના લોકો “વિલાસ પાટકર” તરીકે જ ઓળખતા હતા. પિતા ધારાસભ્ય રમણલાલ પાટકરના પગલે ચાલીને તેમણે નાની ઉંમરથી જ સમાજસેવાને પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો હતો.

વિલાસ પાટકર (Vilasbhai Patkar)ના નિધનથી ઉમરગામમાં શોકની લાગણી
વિલાસ પાટકરે (Vilasbhai Patkar) 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તરત જ તેઓ પિતાની સાથે સમાજસેવાના કાર્યમાં જોડાયા હતા. તેમના મિલનસાર વ્યક્તિત્વ અને ગરીબોને મદદ કરવાની અવિરત વૃત્તિએ તેમને વિસ્તારના લોકોના હૃદયમાં વિશેષ સ્થાન અપાવ્યું હતું.વર્ષ 2008 થી 2014 સુધી તેમણે ધોડીપાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જવાબદારી સંભાળી હતી.આ દરમિયાન ગામના પાયાના વિકાસ કાર્યો પાણી, રસ્તા, વીજળી, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું.

તેમના કાર્યકાળ દરમિયાન ધોડીપાડા ગામને “મોડલ વિલેજ” તરીકે વિકસાવવામાં તેમનો મુખ્ય હાથ હતો. ગામલોકો આજે પણ તેમના કાર્યોની પ્રશંસા કરે છે.વિલાસ પાટકર (Vilasbhai Patkar) પાછળ પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રને છોડી ગયા છે. તેમના અવસાનથી આખો પાટકર પરિવાર અને ખાસ કરીને ધારાસભ્ય રમણલાલ પાટકર સાહેબ ગહેરા શોકમાં છે.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે ઉમરગામ પહોંચીને દિવંગત વિલાસ પાટકરને (Vilasbhai Patkar) શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને શોકાતુર પરિવારને સાંત્વના આપશે.મુખ્યમંત્રીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને અર્ધસૈનિક દળો ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ, વિધાનસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ સ્થાનિક કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:ઉમરગામમાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ, વિસ્ફોટથી કામદારો ઘાયલ, તપાસ શરૂ
આ પણ વાંચો:વલસાડમાં ઉમરગામમાં પરિવારના સામુહિક આપઘાત મામલે થયો ખુલાસો
