Lifestyle: ઉનાળો શરુ થતા જ ઠંડા પીણા પીવાનું મન થાય છે અને એ પીવાની પણ મજા પડે છે! શરીરમાં જ્યારે ગરમી અનુભવાય અને પાણીની ઉણપ મહેસૂસ થાય ત્યારે તરસ બુઝાવવા અને ગરમીથી રાહત મેળવવા માટે એક પીણું બેસ્ટ છે અને એ છે પાન શરબત (Pan Sharbat)!
સ્વાસ્થ્યવર્ધક ઉનાળુ પીણું (Healthy Summer Drink)
પાનની પ્રકૃતિ ઠંડી હોય છે અને એ પાચન માટે પણ ઉત્તમ રહે છે. આ શરબતમાં વરિયાળી અને ખડી સાકર (Fennel and Rock sugar)નો ઉપયોગ કરવામાં આવે છે જે પેટની ગરમી (Stomach heat)ને દૂર કરવા માટે મદદરુપ બને છે. ઉનાળો શરુ થતા જ ઠંડા પીણા પીવાનું મન થાય છે અને એ પીવાની પણ મજા પડે છે! શરીરમાં જ્યારે ગરમી અનુભવાય અને પાણીની ઉણપ મહેસૂસ થાય ત્યારે તરસ બુઝાવવા અને ગરમીથી રાહત મેળવવા માટે આ ઉનાળાનું ડ્રિંક (Summer Drink) બેસ્ટ છે. વિશેષ બાબત એ છે કે, તમે આ પીણાને ઘરના સામાન વડે સરળતાથી બનાવી શકો છો. તો ફટાફટ નોંધી લો આ મસ્ત મજાના પાન શરબત ડ્રિંકની રેસિપી…

શી રીતે બનાવશો પાન શરબત ડ્રિંક? (Pan Sharbat Drink Recipe)
પાનનું શરબત બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
15-20 તાજા નાગરવેલના પાન
1/2 કપ લીલી નાની વરિયાળી
આવશ્યકતા અનુસાર પાણી
250 ગ્રામ ખડી સાકર અથવા પતાસા
8-10 ઈલાયચી
સર્વિંગ માટે
થોડા ફુદીનાના પાન
જરુર મુજબ આઇસ ક્યુબ
જરુર મુજબ ઠંડુ પાણી

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ અડધો કપ લીલી ઝીણી વરિયાળી લેવી. હવે એને લગભગ 6-7 કલાક સુધી પાણીમાં પલાળી રાખવી.
2. વરિયાળી પલળી જાય એટલે એને સૂપની ગળણી વડે ગાળીને અલગ કરી લેવી, પણ પાણી ફેંકવું નહિં.
3. હવે આ જ પાણીનો ઉપયોગ કરીને વરિયાળીની બારીક પેસ્ટ બનાવી લેવી.
4. હવે 15 થી 20 જેટલા નાગરવેલના તાજા પાન (Betel leaves) લઇને એને સારી રીતે ધોઇ લેવા.
5. હવે વરિયાળીનું વધેલું પાણી વાપરીને આ પાનની પણ પેસ્ટ બનાવી લો અને એને વરિયાળીની પેસ્ટમાં મિક્સ કરી લો.
6. હવે આ શરબતમાં ગળપણ ઉમેરવા માટે 250 ગ્રામ દોરામાં પરોવીને મળતા સાકરના હારડા અથવા ખડી સાકરનો ઉપયોગ કરવો.
7. દોરી દૂર કરીને સાકરના ટુકડા કરી લેવા અને એમાં 8-10 ઈલાયચી ઉમેરીને મિક્સરમાં બારીક પાવડર કરી લેવો.
8. હવે આ મિસરી પાવડરને પણ વરિયાળી-પાનના મિશ્રણમાં ઉમેરી લેવો અને એમાં 1 ચમચી સંચળ ઉમેરવું.
9. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટ અત્યંત ઘટ્ટ લાગે તો વરિયાળીનું ગાળેલું પાણી મિક્સ કરી લો.
10. હવે આ શરબતને સૂપની ગળણીથી ગાળી લો. આમ કરવાથી એમાં રહેલા કોઇ મોટા ટુકડા મોંમાં નહિં આવે!
તો તૈયાર છે તમારું પાન શરબત…એને તમે કોઇ કાચના જાર અથવા તો બોટલમાં સ્ટોર કરી લો.

શરબત સર્વિંગ વિધિ
પાનના શરબતને સર્વ કરવા માટે તમારે એક કાચના ગ્લાસમાં 5-6 ફુદીનાના પાન (Mint Leaves) મસળીને ઉમેરી દેવા. હવે એમાં પલાળી રાખેલા તકમરિયા કે ચિયા સિડ્સ ઉમેરવા. હવે એમાં 2 આઇસ ક્યૂબ ઉમેરીને એમાં 2 થી 3 મોટા ચમચા તૈયાર કરેલું પાન શરબત ઉમેરવુ. એની ઉપર ઠંડુ પાણી કે સોડા ઉમેરીને એને ઠંડુ-ઠંડુ હૅલ્ધી શરબત સર્વ કરો…એ પીતાવેંત કોઠે ટાઢક થઇ જશે! આખો ઉનાળો તમે આ શરબત પીને પેટની ગરમીને દૂર કરી શકો છો.

નોંધ- જો તમે આને દૂધમાં મિક્સ કરીને પીવા માગતા હો તો એમાં સંચળ નાખવું નહિં…આ શરબત મિક્સને તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને વાપરી શકો છો. તમે એને ચિયા સિડ્સ અથવા તો તકમરિયા (Chia seeds or Basil seeds) ઉમેરીને જરુર મુજબ પાણી અને બરફ ઉમેરીને પણ પી શકો છો. આ માટે 2-3 ચમચી ચિયા સિડ્સ અથવા તકમરિયા કે જેને ફાલૂદા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે એ (તુલસીના બીજ)ને 3 કલાક માટે પાણીમાં ભીંજાવી રાખવા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ કુદરતી પીણું તમને અવશ્ય રાહત પ્રદાન કરશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: ઉનાળામાં હોઠ કેમ ફાટી જાય છે? સુંવાળા અને ગુલાબી રાખવા અજમાવો ઘરગથ્થું ઉપચાર
આ પણ વાંચો: ઇસબગુલ ફક્ત ઉનાળામાં જ કેમ ખાવું જોઈએ? જાણી લો ખાવાની સાચી રીત
આ પણ વાંચો: દિવાળીના 5 દિવસના તહેવારમાં ઘરે આ શરબત મહેમાનને પીવડાવો, સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ભૂલી જશે
