Ahmedabad News/ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો: પત્નીને પ્રેમી સાથે જોતા હુમલો કરનાર પતિની 5 વર્ષની કેદની સજા યથાવત

પત્નીને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ હુમલો કરનાર પતિને હાઈકોર્ટે (High Court) ‘સાપરાધ મનુષ્યવધ’ માટે દોષિત ઠેરવ્યો છે. 5 વર્ષની સજા યથાવત રાખતો આ ચુકાદો કાયદાની દ્રષ્ટિએ ઘણો મહત્વનો છે.

Top Stories Ahmedabad Gujarat
Gujarat High Court Judgment

Gujarat High Court Judgment: ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં પંચમહાલની ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો છે. આ કેસમાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હુમલો કરનાર પતિને ‘હત્યા’ (Murder) નહીં, પરંતુ ‘સાપરાધ મનુષ્યવધ’ (Culpable Homicide) માટે દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?

આ મામલો વર્ષ 1997ની એક રાતનો છે. પંચમહાલ જિલ્લામાં સરકારી ક્વાર્ટરમાં રહેતો આરોપી પતિ રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે ઘરે પરત આવ્યો હતો. ઘરે પહોંચતા જ તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ હતી. પત્નીના આ કૃત્યથી પતિએ પિત્તો ગુમાવ્યો હતો.

વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે પત્નીએ પતિને જ ધમકી આપી કે જો તે તેમની વચ્ચે આવશે તો તેને જીવવા નહીં દે. આ ગરમાગરમીમાં પતિએ આવેશમાં આવી પત્નીનું માથું દીવાલ સાથે પછડાવ્યું અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.

High Courtએ  શું અવલોકન કર્યું?

આરોપી પતિએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેણે ‘સ્વબચાવ’માં હુમલો કર્યો હતો, જોકે હાઈકોર્ટે આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે ટ્રાયલ કોર્ટે તમામ પાસાઓની ચકાસણી કરીને જ આરોપીને સાપરાધ મનુષ્યવધ (IPC 304) હેઠળ સજા આપી છે, જે યોગ્ય છે. આવેશમાં લેવાયેલા આ પગલા અંગે કોર્ટે માન્યું કે પતિએ પત્નીને કઢંગી હાલતમાં જોતા અચાનક ઉશ્કેરાઈને (Grave and Sudden Provocation) આ પગલું ભર્યું હતું, જેથી કોર્ટે તેને હત્યાની કલમ 302 માંથી રાહત આપી હતી, પરંતુ માનવવધના ગુનામાં તેની સજા યથાવત રાખી છે.

સજા અને ચુકાદો

પંચમહાલ-ગોધરાની ટ્રાયલ કોર્ટે પતિને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ આ ચુકાદાને કાયદેસર ગણાવી પતિની અપીલ રદ કરી છે અને તેને સજા ભોગવવા આદેશ કર્યો છે.


આ પણ વાંચો :માનવ અધિકાર આયોગ ખાનગી સિવિલ વિવાદો ઉકેલવાનું મંચ નથી: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો :માલિકની મંજૂરી વગર બાંધકામ કરનાર ભાડુઆતને મિલકત ખાલી કરવી પડશે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો :જીવલેણ દોરી સામે ગુજરાત હાઈકોર્ટનો સખ્ત વલણ: ચાઈનીઝ દોરી-તુક્કલ હવે નહીં ચાલે!