Surat Diesel Stove Invention: ‘હીરા નગરી’ અને ‘ઉદ્યોગ નગરી’ તરીકે ઓળખાતા સુરતમાં રત્નકલાકારો અને શ્રમિકોના સંઘર્ષની અનેક વાતો સામે આવતી હોય છે, પરંતુ હાલમાં ગેસના બાટલાની અછતે શ્રમિક પરિવારોની હાલત કફોડી કરી દીધી છે. ગેસનો બાટલો ન મળ્યો, ત્યારે અનેક શ્રમિકોએ ભારે હૈયે વતન પરત જવાનો નિર્ણય લીધો. આ કપરી પરિસ્થિતિમાં સુરતના એક ઉદ્યોગપતિ પિંકુ પાત્રએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
“ઘરે ચૂલો કેવી રીતે સળગશે?”
ગેસની અછતને કારણે કારખાનાઓમાં કામદારોની સંખ્યા ઘટવા લાગી હતી. માલિકો કામદારોને રોકવા મથતા હતા, પણ એક શ્રમિકના શબ્દોએ સૌને હચમચાવી દીધા. તેણે કહ્યું, “સાહેબ, હું તો ભૂખ્યો રહીને પણ કામ કરી લઈશ, પણ ઘરે પત્ની અને બાળકોનું શું? ગેસ વગર રોટલી કેવી રીતે બનશે?” આ લાચારી જોઈને શ્રી ગણેશ એન્જિનિયરિંગના માલિક પિંકુ પાત્રએ માત્ર આશ્વાસન આપવાને બદલે ઉકેલ શોધવાનું નક્કી કર્યું.
Diesel અને ઓઈલથી ચાલતા ‘ખાસ ચૂલા’નો આવિષ્કાર
જલારામ કમ્પાઉન્ડમાં આવેલી ફેક્ટરીના માલિક પિંકુ પાત્રએ પોતાની કોઠાસૂઝથી એક એવો ચૂલો તૈયાર કર્યો છે જે ડીઝલ અને ઓઈલથી ચાલે છે. આ ચૂલાની વિશેષતા એ છે કે તેમાં રાંધણ ગેસના બાટલાની જરૂર પડતી નથી અને તે સુરક્ષિત રીતે રસોઈ બનાવી શકે છે.
પિંકુ પાત્રએ માત્ર આ ચૂલો બનાવ્યો જ નહીં, પણ પોતાના કારખાનામાં કામ કરતા તમામ શ્રમિકોને એક-એક ચૂલો મફતમાં આપીને સહાયનો હાથ લંબાવ્યો. જે શ્રમિકો સામાન બાંધીને વતન જવાની તૈયારી કરી રહ્યા હતા, તેમના ચહેરા પર ફરી સ્મિત પાછું આવ્યું છે.
દેશભરમાંથી મળી રહ્યા છે ઓર્ડર
એક નાનકડી ફેક્ટરીમાં જન્મેલો આ વિચાર આજે એક મોટી આશા બની ગયો છે. સુરતના આ ‘જુગાડ’ અને પિંકુ પાત્રની ઉદારતાની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. હાલમાં આ ડીઝલ ચૂલા માટે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતભરમાંથી ઓર્ડર મળી રહ્યા છે. આ પહેલ સાબિત કરે છે કે જો મનમાં સંવેદના હોય, તો ગમે તેવા મોટા સંકટનો માર્ગ કાઢી શકાય છે.
આ પણ વાંચો: સુરતમાં સફાઈ કામદારનું જેલમાં શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી
આ પણ વાંચો: સુરત પોલીસે 24 વર્ષથી ભાગતા ફરતા હત્યાના આરોપીને ઝડપ્યો
આ પણ વાંચો: સુરતમાં ઝેરી પનીર કાંડ, 1400 કિલો પનીરમાં કેમિકલ્સનો ખુલાસો
