Gujarat Local Body Election 2026/ અમદાવાદના લાંભા વોર્ડમાં શાસક પક્ષ વિરોધી બેનર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે અમદાવાદમાં લાંભા વોર્ડમાં શાસક પક્ષ વિરોધી બેનર લાગતા હોબાળો મચી ગયો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના લાંભા વોર્ડમાં શાસક પક્ષ વિરોધી બેનર લાગ્યા છે. શાહવાડી વિસ્તારમાં અચાનક જ શાસક પક્ષ વિરોધી બેનરો લાગ્યા છે. આ બેનરોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભાજપના ઉમેદવારોએ મત માંગવા આવવું નહીં. ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટરો સામે લાંભાની સોસાયટીઓને વાંધો છે. સ્થાનિકોનું કહેવું છે કે ભાજપના પૂર્વ કોર્પોરેટરોના શાસનમાં આ વિસ્તારમાં વિકાસના કાર્યો થયા જ નથી. તેના કારણે કંટાળીને લોકોએ આ પગલું ભરવાની ફરજ પડી છે.

લાંભાના રહેવાસીઓનું કહેવું છે કે અહીં અમે સતત ભાજપને ચૂંટ્યું છે, આમ છતાં વિકાસની વાત આવી ત્યારે અમારી અવગણના કરવામાં આવી છે. અમે ગટર, પાણી અને સારા રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સગવડો પૂરી પાડવામાં આવી રહી નથી. અમને જાણે સાવ વિકાસથી વંચિત રાખવામાં આવ્યા છે. અમારી સામે જોવાની તસ્દી પણ લેવામાં આવતી નથી. તેમા પણ કોર્પોરેટરો ચૂંટાયા પછી તો જાણે દેખાતા પણ નથી. તેમની ભૂમિકા શું ફક્ત ચૂંટાવા પૂરતી અને અમારી ભૂમિકા ફક્ત મત આપવા પૂરતી મર્યાદિત છે.

તેઓને જ્યારે પણ કંઈ કહેવામાં આવે તો તે અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળી દે છે. જ્યારે અધિકારીઓ એવા બહાના કાઢે છે કે અમારી પાસે તમારા વિસ્તાર માટે ફંડ આવ્યું નથી, ફંડ આવશે ત્યારે કામ થશે. જ્યારે કોર્પોરેટરોનું કહેવું છે કે અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી. અધિકારીઓ એવું માને છે કે કોર્પોરેટર પાંચ વર્ષ માટે છે અને અમે કાયમ માટે છીએ. આમ તંત્ર અને નેતાઓ વચ્ચેની હુંસાતુંસીમાં સામાન્ય પ્રજા પીસાઈ રહી છે.

તેમની આ હુંસાતુંસીથી અમે કંટાળ્યા છીએ. તેથી જ આ વખતે જણાવી દીધું છે કે ઇલેકશન ટુરિઝમ માટે અહીં આવવાની જરૂર નથી. કામ કરો પછી વોટ માંગવા આવજો. આના કારણે લાંભામાં રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. લોકોના આ મિજાજથી વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખુશ થઈ ગઈ છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર