Kutch News/ નખત્રાણામાં પતિએ પત્નીને રહેંસી નાખી, જમવા બાબતે થયેલા ઝઘડાએ બે માસૂમોને કર્યા અનાથ

કચ્છના Nakhatrana તાલુકાના મોટા ધાવડામાં ઘરેલુ ઝઘડાનો કરુણ અંત આવ્યો છે. રોટલા બનાવવાની ના પાડતા જેન્તી કોલીએ પત્ની નબુબેનની ધોકા અને ચાકૂથી હત્યા કરી નાખી છે.

Top Stories Gujarat Others
Nakhatrana Murder Case

Nakhatrana Murder Case: કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મોટા ધાવડા ગામની સીમમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. સામાન્ય ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીની ધોકા અને ચાકૂના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ કરૂણ ઘટનામાં પત્નીનો જીવ ગયો છે અને પતિ જેલના સળિયા પાછળ ધકેલાયો છે, જેના કારણે તેમના બે નિર્દોષ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

સામાન્ય વાતમાં ખેલાયો ખૂની ખેલ

મળતી માહિતી મુજબ, નખત્રાણાના મોટા ધાવડા ગામની સીમમાં આવેલી દાડમની વાડીમાં મજૂરી કામ કરતા જેન્તી મીઠુભાઈ કોલી અને તેમની પત્ની નબુબેન (ઉં.વ. 35) વચ્ચે ગત રાત્રે બોલાચાલી થઈ હતી. દંપતી વચ્ચે અવારનવાર નાના ઝઘડા થતા હતા, જેના કારણે પત્ની નારાજ હતી. રાત્રિના દસેક વાગ્યે પતિ જેન્તીએ પત્ની પાસે જમવા માટે રોટલાની માંગણી કરી હતી, પરંતુ નારાજગીના કારણે પત્નીએ રોટલા બનાવવાની ના પાડી દીધી હતી.

ધોકા વડે ફટકારી ચાકૂના ઘા ઝીંક્યા

પત્નીએ જમવાનું બનાવવાની ના પાડતા જેન્તી ક્રોધે ભરાયો હતો અને પત્ની પર તૂટી પડ્યો હતો. તેણે પહેલા લાકડાના ધોકા વડે નબુબેનને બેરહેમીથી ફટકારી હતી અને ત્યારબાદ ચાકૂ વડે અનેક ઘા મારીને તેમની કરુણ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પત્નીનો મૃતદેહ વાડીના રસ્તા પાસે ફેંકી દીધો હતો. સવારે જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Nakhatrana પોલીસે આરોપી પતિને  દબોચ્યો

નખત્રાણા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે, હત્યા કર્યા બાદ આરોપી જેન્તી ક્યાંય ભાગ્યો નહોતો અને વાડીમાં જ હાજર હતો, જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. મૃતકના ભાઈ દેવજી કોલીએ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બે માસૂમ સંતાનો બન્યા નોંધારા

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો ભોગ આ દંપતીના બે નાના સંતાનો બન્યા છે. માતાની છત્રછાયા છીનવાઈ ગઈ અને પિતા જેલના સળિયા પાછળ જતા આ નિર્દોષ બાળકો અનાથ જેવી સ્થિતિમાં મુકાયા છે. ક્ષણિક આવેશ અને અસહિષ્ણુતાએ એક હસતા-રમતા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે.


આ પણ વાંચો : ખેડા ACBએ 2021ની લાંચની ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

આ પણ વાંચો : વલસાડમાં શાસક પક્ષના મહિલા સભ્યના પતિ પર લાંચના આરોપથી સન્નાટો

આ પણ વાંચો : ખેડા જિલ્લામાં લાંચકાંડનો ખુલાસો, કપડવંજ ગામ પોલીસના ત્રણ કર્મચારીઓ સામે ACBનો ગુનો નોંધ્યો