Kutch Sea Border Security: વર્તમાન વૈશ્વિક તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના સંવેદનશીલ ગણાતા કચ્છના દરિયાકાંઠા પર મરીન કમાન્ડો દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જખૌ સેક્ટરમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીથી સમગ્ર સીમાવર્તી વિસ્તારમાં ચુસ્ત બં દોબસ્ત ગોઠવી દેવાયો છે.
પિંગલેશ્વરથી સુથરી સુધી મરીન કમાન્ડોની કડી નજર
મરીન ટાસ્ક ફોર્સના ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ, DySP આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં મરીન કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. પિંગલેશ્વરથી લઈને નાયરો, કમંડ, કડુલી અને સુથરી સુધીના દરિયાઈ પટ્ટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ શંકાસ્પદ હલચલને અટકાવવા માટે કમાન્ડો અત્યાધુનિક સાધનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે.

માછીમારોને અપાઈ ખાસ સૂચના
સુરક્ષા એજન્સીઓએ દરિયાકાંઠાના માછીમારો અને સ્થાનિક રહીશો સાથે બેઠક કરી તેમને જાગૃત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વૈશ્વિક યુદ્ધ જેવી સ્થિતિને કારણે સમુદ્રમાં નુકસાન પામેલા જહાજોના અવશેષો, અજાણી બોટો કે મિસાઇલ જેવા યુદ્ધ સાધનો તણાઈને કિનારે આવી શકે છે. આવી કોઈ પણ વસ્તુ દેખાય તો તેને સ્પર્શ કર્યા વગર તુરંત પોલીસ કે મરીન કમાન્ડોને જાણ કરવા અનુરોધ કરાયો છે.
ડ્રગ્સ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ
આ સઘન પેટ્રોલિંગનો હેતુ માત્ર સીમા સુરક્ષા જ નહીં, પરંતુ દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનો પણ છે. માછીમારોને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા અજાણી બોટ દેખાય, તો તરત જ તંત્રને બાતમી આપે.

Kutch : સુરક્ષા એજન્સીઓ ખડેપગે
જખૌ સેક્ટરમાં વધારવામાં આવેલી આ સુરક્ષાને કારણે સ્થાનિક લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. મરીન કમાન્ડોની સતર્કતા અને દરિયાના મોજાંઓ વચ્ચે ચાલી રહેલું આ ઓપરેશન દુશ્મન દેશોની કોઈ પણ નાપાક હરકતને નિષ્ફળ બનાવવા માટે પૂરતું છે.
