Gold Recycling Economy 2026: ભારતમાં સોનું માત્ર એક ઘરેણું નથી, પરંતુ સુખ-દુઃખનો સાથી અને રોકાણનું સૌથી મોટું માધ્યમ ગણાય છે. લગ્નપ્રસંગો અને તહેવારોમાં દેશમાં સોનાની ધૂમ ખરીદી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે દર વર્ષે દેશમાં જેટલું નવું સોનું ખરીદાય છે, તેના કરતાં ક્યાંય વધુ સોનું ભારતીય પરિવારોના ઘરોમાં અને મંદિરોમાં વર્ષોથી સંગ્રહાયેલું પડ્યું છે. એક રિપોર્ટ અનુસાર, હાલમાં ભારતીય પરિવારો અને મંદિરો પાસે અંદાજે 30,000 થી 32,000 ટન સોનું અનામત છે, જેની વૈશ્વિક બજારમાં અંદાજિત કિંમત 3.8 ટ્રિલિયન ડૉલર (આશરે 315 લાખ કરોડ રૂપિયા) જેટલી થાય છે. આમાંથી મોટા ભાગનું સોનું બેંકોના લોકર કે ઘરની તિજોરીઓમાં બિનઉપયોગી પડ્યું છે, જે દેશની અર્થવ્યવસ્થામાં મોટો બદલાવ લાવી શકે છે.
PM મોદીએ કેમ કરી ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ની અપીલ?
મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા લાંબા સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ત્યાંથી આવતા ક્રૂડ ઓઈલના પુરવઠામાં અડચણ ઊભી થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધ્યા છે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવો પર પડી છે. આ આર્થિક પડકારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને એક મહત્વની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, ભારતીય પરિવારો અત્યારે નવું સોનું ખરીદવાના બદલે ઘરોમાં રાખેલું જૂનું, તૂટેલું કે બિનઉપયોગી સોનું બહાર કાઢે અને તેને ‘રિસાયકલ’ (Recycle- Gold Recycling) કરાવીને ફરી ઉપયોગમાં લે.
શું છે ગોલ્ડ રિસાયક્લિંગની પ્રક્રિયા?
ઘરોમાં કે લોકરમાં વર્ષોથી નકામું પડેલું સોનું ફરીથી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિને ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ કહે છે.
આ પ્રક્રિયા અંતર્ગત જૂના અથવા તૂટેલા દાગીના, સિક્કા, સોનાની લગડી(Gold Recycling) અને ઈલેક્ટ્રોનિક કચરામાંથી કાઢવામાં આવેલા સોનાને એકત્ર કરાય છે.
ત્યારબાદ તેની શુદ્ધતા (Purity) તપાસીને તેને ઊંચા તાપમાને ઓગળવામાં અને કેમિકલ પ્રોસેસથી સાફ કરવામાં આવે છે.
આ પ્રક્રિયાના અંતે 99.99% શુદ્ધ સોનું તૈયાર થાય છે, જેનો ઉપયોગ નવી જ્વેલરી કે સિક્કા બનાવવા માટે થાય છે.
આ પદ્ધતિથી નવી ખાણો ખોદવાની જરૂરિયાત ઘટી જાય છે, જેનાથી પર્યાવરણીય પ્રદૂષણ અને ઊર્જાનો મોટો વપરાશ અટકે છે.
માત્ર 1% Gold Recycling આયાત થાય તો?
ભારત પોતાની સોનાની કુલ માંગનો મોટો હિસ્સો વિદેશોમાંથી(Gold Recycling) આયાત કરે છે. નાણાકીય વર્ષ 2025-26 માં ભારતે દેશની માંગ સંતોષવા માટે 72.4 અબજ ડૉલરનું સોનું વિદેશથી મંગાવ્યું હતું. આ આયાત માટે ભારત સરકારે અબજો ડૉલર ચૂકવવા પડે છે, જેનાથી દેશના વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) પર ભારે દબાણ આવે છે.
જો યોગ્ય રીતે રિસાયક્લિંગ ચેઈન ગોઠવવામાં આવે અને ભારતીય ઘરોમાં પડેલા કુલ સોનામાંથી માત્ર 1 ટકા સોનું પણ દર વર્ષે રિસાયકલ થાય, તો ભારતની સોનાની આયાત સીધી 25 થી 30 ટકા જેટલી ઘટી શકે છે. આનાથી દેશનું આયાત બિલ ઘટશે, ડૉલરની બચત થશે અને દેશની અર્થવ્યવસ્થાની સાથે સ્થાનિક જ્વેલરી માર્કેટને પણ મોટો આર્થિક ટેકો મળશે.
