Business News/ ઘરમાં બિલ વગર કેટલું સોનું રાખી શકાય? નિયમ તોડ્યો તો લાગશે 86% સુધીનો ટેક્સ

ઘરમાં કાયદેસર રીતે બિલ વગર કેટલું Gold રાખી શકાય તે અંગે આવકવેરા વિભાગ અને CBDT ના નિયમો શું કહે છે? મર્યાદાથી વધુ અઘોષિત સોનું રાખવા પર લાગતા 86% સુધીના દંડ અને ટેક્સ વિશે સંપૂર્ણ માહિતી વાંચો.

Top Stories Trending Business
Gold

Business & Tax Rules 2026: ભારતમાં સોનું (Gold)માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે સામાજિક અને ભાવનાત્મક પરંપરાઓ સાથે ઊંડે સુધી જોડાયેલું છે. લગ્ન કે અન્ય શુભ પ્રસંગો સોના વિના અધૂરા માનવામાં આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક અહેવાલ અનુસાર, ભારતીય ઘરોમાં આશરે 25000 થી 30000 ટન જેટલો સોનાનો વિશાળ ભંડાર હોવાનો અંદાજ છે. વર્ષ 2025 માં વધતી કિંમતો છતાં ભારતે 800 ટન સોનાની આયાત કરી હતી. સરકારે સોનાની(Gold)  આયાત પર કડક નિયંત્રણો લગાવ્યા બાદ હવે લોકોમાં એ ચર્ચા જાગી છે કે ઘરમાં કાયદેસર રીતે કેટલું સોનું રાખી શકાય અને નિયત મર્યાદા કરતાં વધુ સોનું રાખવા પર શું કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

Gold

Gold નું બિલ હોવું છે ફરજિયાત

આવકવેરા કાયદા (Income Tax Act) અનુસાર, ઘરમાં કાયદેસરનું સોનું (Gold)રાખવા માટે કોઈ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આનો અર્થ એ છે કે જો તમારી પાસે સોનાની ખરીદીના માન્ય બિલ, રસીદ અથવા વારસામાં મળેલા સોનાના કાયદેસરના દસ્તાવેજો હોય, તો તમે ઘરમાં ગમે તેટલી માત્રામાં સોનું રાખી શકો છો. આ સોનું તમારી કાયદેસરની કમાણીમાંથી ખરીદાયેલું હોવું જોઈએ અને આઈટી રિટર્નમાં તેનો ઉલ્લેખ હોવો જોઈએ. જો આ પુરાવા તમારી પાસે ઉપલબ્ધ હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

Gold

બિલ વિનાની નક્કી મર્યાદા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ના વર્ષ 1994 ના નિયમો અનુસાર, જો તમારી પાસે સોનાની ખરીદીનું કોઈ પાકું બિલ કે દસ્તાવેજ ન હોય, તો પણ આવકવેરા વિભાગ અમુક ચોક્કસ મર્યાદા સુધીના સોનાના દાગીનાને જપ્ત કરી શકતું નથી. પરિવારના સભ્યોની સ્થિતિના આધારે આ મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

પરિણીત મહિલા: બિલ વગર 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે.

અપરિણીત મહિલા: બિલ વગર 250 ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે.

પુરુષ સભ્યો: પરિવારના દરેક પુરુષ સભ્ય બિલ વગર માત્ર 100 ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે.

Gold

86% સુધીનો ભારે દંડ

જો આવકવેરા વિભાગના દરોડા દરમિયાન ઘરમાંથી નક્કી કરેલી મર્યાદા (500 ગ્રામ, 250 ગ્રામ કે 100 ગ્રામ) કરતાં વધુ સોનું(Gold) મળી આવે અને વ્યક્તિ તેની ખરીદીનું સાચું બિલ કે કાયદેસરનો સ્ત્રોત સાબિત ન કરી શકે, તો તે સોનાને ‘અસ્પષ્ટ રોકાણ’ (Unexplained Investment) ગણવામાં આવે છે. આવકવેરા કાયદાની કલમ 115BBE હેઠળ આવી અઘોષિત સંપત્તિ પર 60% ટેક્સ, 25% સરચાર્જ અને 4% સેસ લાદવામાં આવે છે. આ તમામ મળીને કુલ ટેક્સ અને દંડની રકમ આશરે 86% સુધી પહોંચી જાય છે અને બાકીનું સોનું (Gold) સરકાર દ્વારા જપ્ત કરી લેવામાં આવી શકે છે.


આ પણ વાંચો : ઓફિસ જવા માટે બેસ્ટ છે આ 4 ઈલેક્ટ્રિક કાર, ઓછી કિંમતમાં મળશે લાંબી રેન્જ

આ પણ વાંચો :ઇરાન યુદ્ધના કારણે તેલ બજારમાં ભડકો, 48 કલાકમાં બીજી વાર મોંઘો થયો CNG, જુઓ નવા રેટ

આ પણ વાંચો :પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો દિલ્હીથી મુંબઈ સુધીના લેટેસ્ટ રેટ