Kutch News : કચ્છના ભુજ શહેરમાં માતા અને પુત્રના રહસ્યમય સંજોગોમાં મોત (Mysterious Death)થતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. શહેરના લોહાર ચકલા વિસ્તારમાં રહેતા માતા-પુત્ર તેમના ઘરે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, રોજિંદા કામ માટે આવતી કામવાળી બહેન સવારે ઘરે પહોંચ્યા હતા. જોકે, લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યા છતાં કોઈ જવાબ ન મળતા તેમને શંકા ગઈ હતી. બાદમાં આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોની મદદથી દરવાજો ખોલવામાં આવતા અંદર માતા અને પુત્ર બન્ને મૃત (Mother Son Death)હાલતમાં મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ માતાનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પુત્રનું પડી જવાથી મોત થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
આ અચાનક બનેલી ઘટનાને કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
