ED Raid Salim Dola Dawood Ibrahim: ભારતમાં સંગઠિત ગુનાખોરી અને ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની કમર તોડવા માટે કેન્દ્રીય એજન્સીઓએ ઓપરેશન વધુ તેજ કર્યું છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના અત્યંત ખાસ અને નજીકના સાથીદાર સલીમ ઈસ્માઈલ ડોલા (Salim Dola) અને તેના ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ સ્મગલિંગ સિન્ડિકેટ વિરુદ્ધ પ્રવર્તન નિદેશાલય દ્વારા આજે વહેલી સવારથી જ મેગા એક્શન શરૂ કરવામાં આવી છે. કરોડો રૂપિયાના હાઈ-પ્રોફાઈલ મની લોન્ડ્રિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની અલગ-અલગ ટીમોએ દેશના આર્થિક પાટનગર મુંબઈ અને ગુજરાત સહિત કુલ 20 સ્થળો પર એકસાથે ધામા નાખીને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ગુજરાતના સુરત, રાજકોટ અને અંકલેશ્વરમાં EDની એન્ટ્રી
આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ અને મની ટ્રેલના તાર ગુજરાત સાથે સીધા જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. સત્તાવાર સોર્સના જણાવ્યા અનુસાર, EDના ઉચ્ચ અધિકારીઓના કાફલાએ ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્રો ગણાતા સુરત, અંકલેશ્વર અને રાજકોટ માં આવેલા સલીમ ડોલાના શંકાસ્પદ સાગરીતો, ફાઇનાન્સરો અને બેનામી પેઢીઓના ઓફિસ-રહેણાંક સ્થળો પર દરોડા પાડ્યા છે. આ આખી કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી રહી છે, જેને પગલે સ્થાનિક બજાર અને હવાલા ઓપરેટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગયા મહિને જ તુર્કીથી કરાયું હતું ભારત ડિપોર્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે ડ્રગ્સનું નેટવર્ક ઓપરેટ કરતો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ સલીમ ડોલા લાંબા સમયથી વિદેશમાં આશરો લઈને બેઠો હતો. ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને સેન્ટ્રલ ઓથોરિટીના સતત દબાણને કારણે ગયા મહિને જ તેને તુર્કી (Turkey) થી ભારત પ્રત્યાર્પણ (Deport) કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. સલીમ ડોલાની આકરી પૂછપરછમાં જે ગુપ્ત વિગતો અને નાણાકીય દસ્તાવેજો સામે આવ્યા હતા, તેના આધારે જ આજની આ 20 સ્થળોની મેગા રેડનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
ડ્રગ્સની કમાણી અંડરવર્લ્ડ અને દેશ વિરોધી પ્રવૃત્તિમાં વગડાતી!
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સલીમ ડોલા આંતરરાષ્ટ્રીય સ્તરે નશીલા પદાર્થોની તસ્કરી કરતું એક અત્યંત સિક્રેટ અને મોટું સિન્ડિકેટ ચલાવતો હતો. આ ડ્રગ્સના કાળા કારોબારમાંથી થતી કરોડો રૂપિયાની કમાણીને જુદી-જુદી શેલ કંપનીઓ દ્વારા વ્હાઇટ (મની લોન્ડ્રિંગ) કરવામાં આવતી હતી અને ત્યારબાદ આ રકમનો મોટો હિસ્સો અંડરવર્લ્ડના અન્ય ગેરકાયદેસર અને દેશ વિરોધી કૃત્યોના ફન્ડિંગમાં રોકાતો હતો.
હાલમાં ED આ સમગ્ર ડ્રગ સિન્ડિકેટના ‘મની ટ્રેલ’ એટલે કે પૈસા ક્યાંથી આવ્યા, કોના ખાતામાં ગયા અને કઈ-કઈ જગ્યાએ બેનામી પ્રોપર્ટી ખરીદવામાં આવી તેની ઝીણવટભરી કડીઓ જોડી રહી છે. ડિજિટલ ડિવાઇસ અને લોકરના સર્ચ ઓપરેશન દરમિયાન આગામી કલાકોમાં ઘણા મોટા માથાઓના નામ ખુલે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘર પર EDના દરોડા, સમર્થકોએ અધિકારીઓને ઘેરીને કર્યો પથ્થરમારો
આ પણ વાંચો: ₹35,000 ભાડું છતાં AC ચલાવવા બદલ અપમાન! બેંગલુરુના ભાડૂઆતની Reddit પોસ્ટ વાયરલ
આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ સંડોવાયેલા મનસુખ સાગઠિયા સામે EDએ દાખલ કર્યો કેસ
