Heatwave in Gujarat: રાજ્યના નાગરિકોએ ફરી એકવાર આકરા તાપ અને કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદ બાદ હવે ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના અનેક શહેરોમાં માથું ફાડી નાખે તેવી ગરમી પડશે અને તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘યલો એલર્ટ’
હવામાન વિભાગે (IMD) ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે હીટવેવ (લૂ) ની આગાહી કરી છે અને ત્યાં ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. રાજકોટમાં તાપમાન 41.8 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે, જે આજે 42 ડિગ્રીને પાર કરે તેવી પૂરી સંભાવના છે. અમદાવાદમાં પણ પારો 40.2 ડિગ્રીને પાર કરી ગયો છે અને આગામી દિવસોમાં તેમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, સક્રિય થયેલું ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ હવે નબળું પડી ગયું છે અને ઉત્તર-પશ્ચિમ તરફથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. નવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ સુધી વાતાવરણ એકદમ સૂકું રહેશે અને ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી.

Heatwave (લૂ) અને હીટ સ્ટ્રોક શું છે?
હીટવેવ: જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રીને પાર કરે ત્યારે ફૂંકાતા ગરમ પવનોને ‘લૂ’ કહે છે. જો તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચે તો તે અત્યંત ખતરનાક હીટવેવ ગણાય છે.
હીટ સ્ટ્રોક: આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પણ જ્યારે બહારનું તાપમાન 40-45 ડિગ્રી હોય અને આપણે આકરા તડકામાં જઈએ, ત્યારે શરીરનું તાપમાન 37 ડિગ્રીથી વધી જાય છે. શરીરની આ ખતરનાક સ્થિતિને ‘હીટ સ્ટ્રોક’ (લૂ લાગવી) કહે છે.
હીટ સ્ટ્રોક (લૂ) થી બચવા આટલી સાવચેતી ચોક્કસ રાખો
ગરમીમાં બીમાર પડતા બચવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો નીચે મુજબની સાવચેતી રાખવાની સલાહ આપે છે:
બપોરે બહાર ન નીકળો: બપોરે 12 થી 3 વાગ્યા સુધી સખત તડકામાં કારણ વગર બહાર જવાનું ટાળો.
હાઇડ્રેટેડ રહો: તરસ ન લાગી હોય તો પણ થોડી-થોડી વારે પાણી પીતા રહો. મુસાફરીમાં પાણીની બોટલ સાથે જ રાખો.
કેવા કપડાં પહેરવા? સફેદ કે આછા રંગના, સુતરાઉ (કોટન) અને ઢીલા કપડાં પહેરો. બહાર જતી વખતે છત્રી, ટોપી અને સનગ્લાસનો ઉપયોગ અચૂક કરો.
શું ન પીવું? ચા, કોફી અને આલ્કોહોલ જેવા શરીરને ડીહાઇડ્રેટ કરતા પીણાં ટાળો. વાસી અને હાઈ-પ્રોટીન ખોરાક ન ખાવો.
શું ખાવું-પીવું? ORS, લીંબુ પાણી, લસ્સી, છાશ અને નાળિયેર પાણી વધુ પીવો. ઉનાળામાં ભોજનમાં દહીં અને ગોળનો સમાવેશ કરો.
ક્યારેય ખાલી પેટે બહાર ન જાવ: તડકામાં ખાલી પેટે જવાથી એનર્જી અને ઈલેક્ટ્રોલાઈટ્સ ઝડપથી ઘટે છે, જેનાથી લૂ લાગવાનો ખતરો વધી જાય છે.
લૂ લાગી જાય તો ઘરેલુ ઉપચાર શું કરવા?
જો કોઈ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો શિકાર બને, તો સૌથી પહેલાં તેના શરીરનું તાપમાન કંટ્રોલ કરવું અને ડીહાઈડ્રેશન દૂર કરવું જરૂરી છે:
દર્દીને તરત જ છાંયડામાં, પંખા કે AC નીચે ઠંડી જગ્યાએ સુવડાવી દો.
શરીર પર બરફ ઘસી શકાય અથવા ઠંડા પાણીમાં પલાળેલું કપડું/ટુવાલ રાખી શકાય.
તેમને ધીમે-ધીમે લીંબુ પાણી કે ઓરેન્જ જ્યુસ પીવડાવો.
જવનો લોટ અને ડુંગળી પીસીને તેનો લેપ શરીર પર લગાવવાથી ગરમી ખેંચાઈ જાય છે.
જો દર્દી બેભાન થઈ જાય, બોલવામાં થોથવાય કે માનસિક સંતુલન ગુમાવતો દેખાય, તો જાતે ઈલાજ કરવાને બદલે જરા પણ વિલંબ કર્યા વગર સીધા હોસ્પિટલ લઈ જાવ, કારણ કે આ સ્થિતિમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે.
