Kutch News: ગાંધીધામ (Gandhidham) એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.), પૂર્વ કચ્છ દ્વારા મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરવામાં આવી છે. એલ.સી.બી.ની ટીમે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે અને ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
જિલ્લામાં વધતા મિલ્કત સંબંધિત ગુનાઓને નિયંત્રણમાં લેવા માટે પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે એલ.સી.બી. ટીમ સક્રિય બની હતી.
ગત 7 એપ્રિલ, 2026ના રોજ ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં ગુરુદ્વારા નજીક આવેલી એક શિપ લોકલ લોજિસ્ટિક કંપનીના ગોડાઉનમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યા શખ્સોએ ગોડાઉનના પાછળના શટરનું લોક તોડી અંદર પ્રવેશ કરીને અંદાજે રૂપિયા 4.59 લાખ રોકડા તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજોની ચોરી કરી હતી. આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો, પરંતુ શરૂઆતમાં આરોપીઓનો કોઈ પતો મળ્યો નહોતો.
આ ગુનાને ઉકેલવા માટે પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા અને પી.એસ.આઈ. ડી.જી. પટેલની આગેવાની હેઠળ એલ.સી.બી. ટીમ સતત પ્રયાસશીલ રહી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ડિડાણા ચાર રસ્તા નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે શખ્સોને ઝડપી લીધા. તેમની પુછપરછ દરમિયાન ચોરીમાં સંડોવણી બહાર આવી અને વધુ તપાસમાં ત્રીજા આરોપીનું નામ પણ સામે આવ્યું.
પકડાયેલા આરોપીઓમાં સીરાજ અકબર પઠાણ (ઉ.વ. 26), સમીર નુરમામદ મથડા (ઉ.વ. 22) અને સુમીત ભરતભાઈ રાણા (ઉ.વ. 22)નો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓએ મળીને ગોડાઉનમાં ઘૂસી ચોરી કર્યાની કબૂલાત કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 42,900 રોકડા, ચાર મોબાઈલ ફોન (કિંમત રૂપિયા 15,500) તથા એક મોટરસાયકલ (કિંમત રૂપિયા 30,000) કબ્જે કરી કુલ રૂપિયા 88,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓમાંના કેટલાકના અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવણી રહી ચૂકી છે, જેમાં લૂંટ, ઘરફોડ ચોરી અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે.
આ સફળ કામગીરી એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા, પી.એસ.આઈ. ડી.જી. પટેલ તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. હાલમાં આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને કારણે શહેરમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે તેમજ ગુનાહિત તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.
