ઇન્દોર,
પીએમ નરેન્દ્ર મોદીની નજીકના ગણાતા આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજે મંગળવારે પોતાની જાત પર ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. ભૈય્યુજી મહારાજે કથિત રીતે પોતાને ગોળી મારતાં તેઓને ઇન્દોરની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેઓને ડોકટરોએ મૃત ઘોષિત કર્યા હતા.
તણાવના કારણે હું થાકી ગયો છું
ભૈય્યુજી મહારાજે પોતાની જાત પર કેમ ગોળી મારી તે રહસ્ય હતું, પરંતુ આ વચ્ચે એક સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં આત્મહત્યા કરવા અંગેનું કારણ તેઓએ તણાવને જણાવ્યું છે. તેઓએ લખ્યું છે કે, “હું જઈ રહ્યો છું“. સાથે સાથે આ સુસાઇડ નોટમાં પોતાના પરિવારની જવાબદારી સંભાળવા માટે પણ અપીલ કરી છે.
મહત્વનું છે કે, ભૈય્યુજી મહારાજને થોડાક સમય અગાઉ જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદીને ભૈય્યુજી મહારાજે તોડાવ્યા હતા ઉપવાસ

ભૈય્યુજી મહારાજ આ પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા હતા વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જયારે સદભાવના ઉપવાસ પર બેઠા હતા ત્યારે આં ઉપવાસ તોડાવવા માટે તેઓએ ભૈય્યુજી મહારાજને આમંત્રિત કર્યા હતા.
અન્ના હજારેને પણ તોડાવ્યું હતું અન્નસન
આ ઉપરાંત ૨૦૧૧માં સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ જયારે દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરુધ અન્નસન પર બેઠા હતા ત્યારે તેઓના ઉપવાસ ખતમ કરવા માટે તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા ભૈય્યુજી મહારાજને પોતાનો દૂત બનાવીને મોકલ્યા હતા. ત્યારબાદ તેઓએ અન્ના હજારેને પોતાના હાથથી જ્યુસ પીવડાવીને અન્નસન તોડાવ્યું હતું.
દેશના દિગ્ગજ રાજનેતાઓના સંપર્કમાં રહી ચુક્યા છે ભૈય્યુજી મહારાજ
ભૈય્યુજી મહારાજની જન્મ ૨૯ એપ્રિલ, ૧૯૬૮ના રોજ સુજાલપુરમાં થયો હતો. તેઓનું અસલી નામ ઉદય સિંહ દેશમુખ હતું. પહેલા તેઓ કપડાની બ્રાંડ માટે મોડલિંગ કરી ચુક્યા છે, અને ત્યારબાદ તેઓ ભૈય્યુજી મહારાજના નામથી સંત બન્યા બાદ દેશના દિગ્ગજ રાજનેતાઓના સંપર્કમાં હતા.
મોડલિંગ માંથી સંત બનેલા ભૈય્યાજી મહારાજના સંબંધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મધ્યપ્રદેશ CM શિવરાજ સિંહ ચૌહાણ, એમપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSSના પ્રમુખ મોહન ભાગવત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સામાજિક કાર્યકર્તાઅન્ના હજારે સહિતની અનેક મોટી અને દિગ્ગજ હસ્તીઓ સાથે તેઓની નિકટતા હતી.
ભૈય્યુજી મહારાજ એક સદગુરુ દત્ત ધાર્મિક ટ્રસ્ટ પણ ચલાવે છે. તેઓ આ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતા હતા તેમજ કેદીઓના બાળકોને અભ્યાસ પણ કરાવે છે. સાથે સાથે તેઓ ખેડૂતોને ખાધ બીજ મફતમાં આપે છે.
