Bhuj News : ભુજ(Bhuj)માં બનેલા હૃદયવિદારક સાક્ષી ખાનીયા હત્યા કેસ(Murder Case)માં કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. એકતરફી પ્રેમમાં યુવતીની નિર્દય હત્યા કરનાર મુખ્ય આરોપી અને તેના સાથીને ભુજ સેશન્સ કોર્ટે આજીવન કેદ(Life Imprisonment)ની સજા ફટકારી છે, સાથે જ બંનેને રૂ. 25-25 હજારનો દંડ પણ ફટકારાયો છે.
શું હતો સમગ્ર મામલો?

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય સાક્ષી ખાનીયા ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ભાનુશાલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. આરોપી મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા સાક્ષીનો પડોશી હતો અને તે એકતરફી પ્રેમમાં તેને સતત હેરાન કરતો હતો.
તપાસમાં સામે આવ્યું કે મોહિત સાક્ષીને વારંવાર ગાંધીધામ આવવા દબાણ કરતો હતો અને તેના માતા-પિતાને જાણ કરવાની ધમકી આપતો હતો. સતત હેરાનગતિથી કંટાળી સાક્ષીએ તેને ફોન પર બ્લોક કરી દીધો હતો. ઘટનાના દિવસે પણ સાક્ષીએ આ બાબતે પોતાની માતાને જાણ કરી હતી.
કોલેજના ગેટ બહાર થયો લોહિયાળ હુમલો
28 ઓગસ્ટ, 2025ના રોજ મોહિત પોતાના મિત્ર જયેશ ઠાકોર (રહેવાસી મેઘપર બોરીચી, અંજાર) સાથે ભુજ પહોંચ્યો હતો. બંનેએ અગાઉથી છરી ખરીદી હતી. કોલેજ પૂરી થયા બાદ સાક્ષી હોસ્ટેલ તરફ જઈ રહી હતી ત્યારે કોલેજના ગેટ પાસે મોહિતે તેના ગળા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો.
ગંભીર રીતે ઘાયલ સાક્ષીને તરત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસે ઝડપી કાર્યવાહી કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કેસની તપાસ દરમિયાન મજબૂત પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા.
કોર્ટે શું કહ્યું?
ભુજના પ્રિન્સીપલ સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ કેસમાં રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા અને 31 સાક્ષીઓના નિવેદનોના આધારે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા. કોર્ટે હત્યાની ગંભીરતા ધ્યાનમાં રાખીને આજીવન કારાવાસ(Life Imprisonment)ની સજા ફટકારી અને દંડ પણ લગાવ્યો.
સમાજ માટે ચેતવણીરૂપ કેસ
આ કેસ એકતરફી પ્રેમ અને અસ્વીકારને સ્વીકારી ન શકવાના ખતરનાક પરિણામો તરફ ઈશારો કરે છે. સમાજમાં આવી માનસિકતા સામે જાગૃતિ લાવવી અને સમયસર કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે.
