Ahmedabad News/ અમદાવાદમાં થાઈલેન્ડ ટૂરના નામે લાખોની છેતરપિંડી, સેટેલાઇટની ‘કે.સી. હોલિડેઝ’ના માલિકો ફરાર

Ahmedabadના સેટેલાઇટમાં ‘કે.સી. હોલિડેઝ’ ટ્રાવેલ એજન્સીએ થાઈલેન્ડ ટૂરના નામે 9.71 લાખની છેતરપિંડી આચરી. સંચાલકો કિરણ ચૌહાણ અને પારુલબેન ચૌહાણ સામે પોલીસ ફરિયાદ.

Gujarat Top Stories Others
Ahmedabad Travel Fraud

Ahmedabad Travel Fraud: વિદેશ પ્રવાસના નામે છેતરપિંડી આચરતી ગેંગ હવે ફરી સક્રિય થઈ છે. શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં ‘સસ્તું પેકેજ’ આપવાની લાલચ આપી એક ટ્રાવેલ એજન્સીના માલિકો પ્રવાસીઓના લાખો રૂપિયા લઈને ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. થાઈલેન્ડની ટૂરના બહાને કુલ 9.71 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર એજન્સીના સંચાલકો સામે છેવટે 4 મહિના બાદ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Ahmedabad : સસ્તા પેકેજની લાલચ આપી વેપારીને ફસાવ્યા

શાહીબાગ વિસ્તારમાં રહેતા વેપારી રોહિતભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઓગસ્ટ 2025માં તેમણે શિવરંજની-સેટેલાઇટ સ્થિત ‘કે.સી. હોલિડેઝ’ નામની પેઢીની જાહેરાત જોઈ હતી. કંપનીએ ફૂકેટ, ક્રાબી અને બેંગકોકની 8 દિવસની ટ્રિપ માટે પ્રતિ વ્યક્તિ માત્ર 75,000 રૂપિયાનું પેકેજ ઓફર કર્યું હતું. રોહિતભાઈએ તેમના પરિવારના ત્રણ સભ્યો માટે કુલ 2.10 લાખ રૂપિયા એજન્સીમાં જમા કરાવ્યા હતા.

પ્રવાસના 10 દિવસ પહેલા જ એજન્સીને તાળા વાગી ગયા

રોહિતભાઈ અને તેમનો પરિવાર 14મી ડિસેમ્બર, 2025ના રોજ થાઈલેન્ડ જવાના હતા. જોકે, પ્રસ્થાનના બરાબર 10 દિવસ પહેલા જ્યારે તેઓએ એજન્સીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે માલૂમ પડ્યું કે સંચાલકો ઓફિસ બંધ કરીને ગાયબ થઈ ગયા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે રોહિતભાઈની જેમ અન્ય અનેક લોકોએ પણ આ એજન્સીમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે.

Ahmedabad Travel Fraud

કોની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા?

પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ અલગ-અલગ લોકો સાથે છેતરપિંડી આચરીને મોટી રકમ પડાવી હતી, જેમાં રોહિતભાઈ પાસેથી 2.10 લાખ રૂપિયા અને રવિભાઈ વચેટા પાસેથી 4 ટિકિટના નામે 3.20 લાખ રૂપિયા ખંખેર્યા હતા. આ ઉપરાંત, કુણાલભાઈ વચેટા પાસેથી 3 ટિકિટ માટે 2.40 લાખ રૂપિયા અને નરેશ વચેટા પાસેથી 2 ટિકિટ માટે 2 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે 3 સામે ગુનો દાખલ કર્યો

સેટેલાઇટ પોલીસે ફરિયાદીની રજૂઆતના આધારે ટ્રાવેલ એજન્સીના માલિક કિરણ ચંદ્રકાંત ચૌહાણ, પારુલબેન ચૌહાણ અને કર્મચારી વિવેક સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ લોકો પાસેથી ઓનલાઈન અને રોકડ નાણાં સ્વીકાર્યા હતા, પરંતુ કોઈની પણ ટિકિટ કે વિઝાની વ્યવસ્થા કરી નહોતી. હાલ પોલીસ આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો:સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનારા સાયબર ક્રાઈમ ગેંગના બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો:દેશનો સૌથી મોટો સાયબર ફ્રોડ ઝડપાયો! ભાવનગરથી ચાલતું હતું ₹719 કરોડનું રેકેટ

આ પણ વાંચો:મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડ, ગુજરાત પોલીસે 6 દિવસમાં 365 ફરિયાદ નોંધી