Rajkot Parewadi Chowk Accident : રંગીલા રાજકોટમાં માર્ગ અકસ્માતોની હારમાળા વચ્ચે વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા પારેવડી ચોક પાસે રોડ ક્રોસ કરી રહેલા એક વૃદ્ધાને એસટી વિભાગની વોલ્વો બસે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના બંને ટાયરો વૃદ્ધા પર ફરી વળ્યા હતા. આ સમગ્ર કરુણ ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણનું કાળજું ધ્રૂજી ઉઠે.
Rajkot : બહેનના ઘરે જતા સમયે કાળ ભેટ્યો
મળતી માહિતી મુજબ, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા હુસેની ચોકમાં રહેતા વૃદ્ધા ગત 17 એપ્રિલના રોજ બપોરે 1 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યા હતા. તેઓ મોચીબજારમાં રહેતા તેમના બહેન રોશનબેનના ઘરે જવા માટે પારેવડી ચોક પાસે ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે કાળમુખી વોલ્વો બસે તેમને ટક્કર મારી હતી.

CCTVમાં કેદ થઈ કાળજું કંપાવતી ઘટના
સામે આવેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે વૃદ્ધા જ્યારે રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવતી વોલ્વો બસે પાછળથી તેમને જોરદાર ટક્કર મારી હતી. બસનું આગળનું ટાયર વૃદ્ધા પર ફરી વળવા છતાં ક્રૂર ચાલકે બસ ઉભી રાખી નહોતી અને બસ ભગાવતા પાછળનું ટાયર પણ વૃદ્ધા પર ફરી વળ્યું હતું. અકસ્માત સર્જીને ચાલક માનવતા નેવે મૂકીને બસ લઈને નાસી છૂટ્યો હતો.
સારવાર દરમિયાન તોડ્યો દમ
અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર તરફડતા વૃદ્ધાને સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે ટૂંકી સારવાર બાદ હલુબેનનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસે બસ ચાલક સામે નોંધ્યો ગુનો
ઘટના અંગે હોસ્પિટલ ચોકી દ્વારા જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એસટી બસના ચાલક રણજીતસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
