Vadodara News : વડોદરામાં આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓના ભોજન અને અન્ય સુવિધાઓને લઈને ગંભીર ગેરવહીવટનો આક્ષેપ સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કોલેજ અને હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે મળીને વિરોધપ્રદર્શન કર્યું હતું. ભોજનમાં જીવડાં, ઈયળ અને કાંકરા નીકળતાં હોવાની ગંભીર ફરિયાદો વિદ્યાર્થીઓએ કરી હતી.
આ ઉપરાંત SN ફંડનો હિસાબ ન આપવો,મેસ ફીની રસીદ ન આપવી અને પાણીની અપૂરતી સુવિધા જેવી અનેક સમસ્યાઓ પણ રજૂ કરી હતી. યુવરાજસિંહે સત્તાવાળાઓને 10 દિવસમાં આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા અલ્ટિમેટમ આપ્યું છે અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, કોલેજના પ્રિન્સિપાલે આ આરોપોને ફગાવીને કહ્યું હતું કે આ અંગે કોઈ લેખિત ફરિયાદ મળી નથી.વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં ગેરવહીવટના આરોપોને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ હોસ્ટેલમાં જઈને હલ્લાબોલ કર્યો હતો અને કોલેજના પ્રિન્સિપાલને ઉગ્ર રજૂઆત કરી હતી અને અનેક ગંભીર ફરિયાદો રજૂ કરી હતી.
પુરાવાઓ સાથે યુવરાજસિંહે કોલેજ સત્તાધીશોને આ મામલે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલમાંથી પણ અનેક ફરિયાદો ઊઠી હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે આપ નેતા વિરેન રામી અને શીતલ ઉપાધ્યાય જોડાયાં હતાં. યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીને સાથે રાખીને હોસ્ટેલ બહાર વિરોધપ્રદર્શન પણ કર્યું હતું અને ભોજનમાં જીવાત અને પાણીના પ્રશ્નને લઈને ફોટો જાહેર કરીને વિરોધ કર્યો હતો.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગરીબ મા-બાપનાં દીકરા-દીકરીઓ અહીં નર્સિંગ કરવા માટે આવે છે. વડોદરાની સરકારી નર્સિંગ કોલેજની અંદર અવ્યવસ્થા છે, ભોજનમાં કીડા-મકોડા અને કાંકરા નીકળે છે. આ ઉપરાંત જે મેસ ફી લેવામાં આવે છે એની કોઈ રસીદ આપવામાં નથી આવતી. વિદ્યાર્થીઓ અત્યારસુધી ઓનલાઈન પૈસા ભરતા હતા, પણ હવે એ પૈસા ઓફલાઈન માગવામાં આવે છે. શા માટે પૈસા ઓફલાઈન માગવામાં આવે છે?.
દર મહિને એસએન ફંડના નામે 100-100 રૂપિયા દરેક વિદ્યાર્થી પાસેથી વસૂલવામાં આવે છે,એમતેમણે વધુમાં જણાવ્યું હતું. એટલે 450 વિદ્યાર્થીઓના 45,000 રૂપિયા થયા છે. તો એ 45,000 રૂપિયા વપરાય છે ક્યાં? એનો કોઈ હિસાબ નથી, એની કોઈ પાવતી નથી, એની કોઈ રસીદ નથી, અને એનું કોઈ ઓડિટ કરવામાં નથી આવતું, એને કોઈ જગ્યાએ હિસાબ આપવામાં આવતો નથી.
ગણેશની મૂર્તિના સ્પોન્સર વિદ્યાર્થીઓ બને. ગણેશની આ ગણેશચતુર્થીમાં પ્રસાદ આપવાનો છે તો પ્રસાદના સ્પોન્સર વિદ્યાર્થીઓ બનવાના. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, તો નવરાત્રિમાં પણ પ્રસાદ આપવાના સ્પોન્સર આ વિદ્યાર્થીઓ બને છે, એટલે આ બધી જ અસુવિધાઓની જે ફરિયાદ અમને મળી હતી એને લઈને અમે અહીં તપાસવા માટે આવ્યા હતા, સ્થળ તપાસ કરવા માટે આવ્યા હતા કે ખરેખર અમને જે 450 વિદ્યાર્થીનો લેટર મળ્યો હતો એ વાત મૂકી છે.તેમણે કહ્યું હતું કે બધા જ પુરાવો અમારી પાસે છે, જે છે એ આધાર-પુરાવા સાથે મૂકીએ છીએ.
અમારી પાસે જે બાબત આવી છે એ બાબતમાં અમે ક્રોસ વેરિફાઈ કર્યું છે. ક્રોસ વેરિફાઈમાં આ સત્યતા અને તથ્યતા અમારી સામે આવી છે. પાણીની સુવિધા પણ યોગ્ય રીતે હોવી જોઈએ, તમે જોઈ શકો છો કે એ યોગ્ય રીતે પીવાના પાણીની પણ સુવિધા નથી. નાહવા-ધોવાનું પાણી પણ ક્યારેક-ક્યારેક પાંચ-પાંચ દિવસે આવે છે. હવે વિચારો પાણી વગર અહીંનાં દીકરા-દીકરીઓ કરે શું?.તેમણે ઉમેર્યું હતું કે આપણે બહુ મોટા નારાઓ લગાડીએ છીએ કે ‘બેટી બચાવો, બેટી પઢાવો,’ ‘મહિલા સશક્તિકીરણ,’ ‘નારી વંદના,’ પણ આ નારાઓ ખાલી બેનરોમાં છે. આ નારાઓમાં વાસ્તવિક્તા કઈ નથી.
આ બધા જ પ્રશ્નોની રજૂઆત કરવા માટે આજે આવ્યા હતા. પ્રિન્સિપાલે ઢાંકપિછોડો કર્યો છે. પ્રિન્સિપાલે પોતાની ચોરી છતી ન થાય, એટલા માટે અંદર જવા દેવાની મનાઈ કરવામાં આવે છે. અહીં ચોરી છુપાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. આગળના દિવસોમાં અમે ગુજરાત નર્સિંગ કાઉન્સિલને પણ ફરિયાદ કરવાના છીએ અને આરોગ્ય વિભાગને પણ ફરિયાદ કરવાના છીએ. 10 દિવસની અંદર નિરાકરણ નહીં આવે તો આ જ જગ્યાએ અમે ધરણાં-પ્રદર્શન અને આંદોલન કરીશું. આ બહેનો, ભાઈઓ બધાને સાથે રાખીને અમે ન્યાય માટે સત્યાગ્રહ કરીશું.હોસ્ટેલમાં રહેતી ખુશી ચૂડાસમાએ જણાવ્યું હતું કે ભોજનમાં જીવડાં, કાંકરા નીકળે છે, ઈયળને બધું આવે છે.
આ તો બહુ પહેલાંથી તકલીફ છે, મહિનામાં એક-બેવાર તો આવું થાય જ છે. આ મુદ્દે અમે વોર્ડન મેમને 2 વાર રજૂઆત કરેલી છે. તેઓ એવું કહે છે કે મેમ સાથે વાત થઈ ગઈ છે, પછી કઈ આગળ કામ થતું નથી અને અમારું કોઈ સાંભળતું નથી.નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભારતીબેન અનડિયાએ જણાવ્યું હતું કે અત્યારે અચાનક આ લોકો આવ્યા છે. હોસ્ટેલના ગેટ એન્ટ્રન્સમાંથી મેં બે-ચાર ગાડી જોઈ અને આવી રીતે કોઈ દિવસ અમારા ત્યાં કોઈ આવ્યા નથી.
એટલે મને લાગ્યું કે કંઈક અજુગતું બન્યું છે. મેં મારા સ્ટુડન્ટ્સ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેમના દ્વારા કોઈ ફોટો શેર કરવામાં આવ્યા નથી અને વિદ્યાર્થિનીઓએ અમારી સામે આવી કોઈ ફરિયાદ કરી નથી. જ્યાં સુધી કોન્ટ્રેક્ટરનો સવાલ છે, જવાબદાર કોન્ટ્રેક્ટર પર એક્શન લેવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી પ્રોપર સિસ્ટમ છે. દરરોજ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું ઓન-ડ્યૂટી સ્ટાફ દ્વારા ચેક કરવામાં આવે છે અને કંઈપણ હોય તો એ તરત મારા કે વાઈસ-પ્રિન્સિપાલના ધ્યાને લાવવામાં આવે છે. હોસ્ટેલ કોઓર્ડિનેટર પણ સરકારના નિયમિત કર્મચારીઓ છે. અમે જ્યારે કંઈક પ્રોબ્લેમ હોય તેને લેખિત ઠપકો આપેલો છે, અને બીજી વસ્તુ, કંઈ હશે તો અમે એને ચેન્જ કરી દઈશું.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
