Rajkot News/ સ્પીડની ઘેલછા બની કાળ, જેતપુર પાસે ભયાનક અકસ્માતમાં એક યુવકનું મોત અને બે ગંભીર

રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર (Jetpur) પાસે ભયાનક કાર અકસ્માત. 118ની ઝડપે કાર દોડાવતા યુવકોએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂક્યો અને તરત જ અકસ્માત સર્જાતા એકનું મોત.

Top Stories Gujarat Rajkot
Rajkot Jetpur Car Accident News

Rajkot Jetpur Car Accident News: સોશિયલ મીડિયા પર ફેમસ થવાની અને સ્પીડનું પ્રદર્શન કરવાની ઘેલછાએ વધુ એક યુવકનો ભોગ લીધો છે. રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુરની પેઢલા ચોકડી પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક નવી નકોર કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ જતાં 20 વર્ષીય યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેના બે મિત્રો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Jetpur નજીક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો 

જેતપુરથી ધોરાજી તરફ જઈ રહેલી કાર બાલકૃષ્ણ ફાર્મ પાસે પહોંચતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કાર પહેલા ડિવાઈડર અને ત્યારબાદ ફાર્મની દીવાલ સાથે એટલા જોરથી અથડાઈ હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. આ અકસ્માતની તીવ્રતા એટલી ભયંકર હતી કે કારનું બોનેટ અને પાછળનું ટાયર ઉખડીને દૂર ફંગોળાઈ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 20 વર્ષીય યુવાન અવધ તિવારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાનો દેવરાજ ગોસાઈ (20) અને અક્ષય વાઘેલા (20) ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Rajkot Jetpur Car Accident News

Instagram સ્ટોરી બની ‘ડેથ નોટ’!

આ ઘટનાની સૌથી હચમચાવી દે તેવી બાબત એ છે કે, અકસ્માત સર્જાયાના થોડી જ વાર પહેલા આ યુવકોએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોમાં કારનું સ્પીડોમીટર 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દર્શાવતું હતું. સ્પીડ બતાવીને ‘લાઈક્સ’ મેળવવાની આ કોશિશ અંતે કાળ સાબિત થઈ હતી. વીડિયો અપલોડ કર્યાની ગણતરીની મિનિટોમાં જ કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અવધ તિવારી વિરુદ્ધ અગાઉ પાસા (PASA), મારામારી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના ફરી એકવાર યુવા પેઢીને લાલબત્તી સમાન ચેતવણી આપી રહી છે કે, રસ્તા પર વાહન ચલાવતી વખતે ગતિ નહીં, પણ સુરક્ષા મહત્વની છે.


આ પણ વાંચો : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, 2 લોકો થયા ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો : રાજકોટ હાઇવે પર અકસ્માતમાં રાહદારીનું મોત, અજાણ્યા વાહનચાલકે મારી ટક્કર

આ પણ વાંચો : જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત