Central Govt LPG PNG New Rules: અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી છે. વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના સપ્લાય પર ઉભી થયેલી કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે એક અત્યંત મહત્વનો આદેશ જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ, જે ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, તેમને હવેથી LPG સિલિન્ડરનો લાભ મળશે નહીં.
નવા નિયમમાં શું છે ખાસ?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગેસના જથ્થાનો દુરુપયોગ રોકવા અને ખરેખર જરૂરિયાતમંદો સુધી તેનો પુરવઠો પહોંચાડવા માટે મહત્વનું પગલું લેવાયું છે. નવા નિયમ અનુસાર, જે ગ્રાહકોના ઘરે પહેલેથી જ પાઈપલાઈન દ્વારા ગેસ (PNG) ની સુવિધા ઉપલબ્ધ છે, તેઓ હવે પોતાના જૂના LPG સિલિન્ડર રિફિલ કરાવી શકશે નહીં. આ ઉપરાંત, શહેરોમાં જે વિસ્તારોમાં પાઈપલાઈન નેટવર્ક મજબૂત રીતે પથરાયેલું છે, ત્યાં ગેસ એજન્સીઓ દ્વારા સિલિન્ડરનો સપ્લાય નોંધપાત્ર રીતે ઘટાડી દેવામાં આવશે. આ ફેરફારો બાદ શહેરોમાંથી બચેલો LPG નો જથ્થો અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં અગ્રતાના ધોરણે મોકલવામાં આવશે, જ્યાં પાઈપલાઈનની સુવિધા હજુ સુધી પહોંચી શકી નથી.

સરકારે કેમ લેવો પડ્યો આ નિર્ણય?
યુદ્ધની સ્થિતિમાં લોકો ગભરાટમાં આવીને જરૂર ન હોવા છતાં ગેસ સિલિન્ડરનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે, જેના કારણે બજારમાં આ ‘પેનિક બુકિંગ’થી કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, LPG પર અપાતી સબસિડી સરકાર માટે મોટો આર્થિક બોજ હોવાથી, ગ્રાહકોના PNG પર સ્વિચ થવાથી સરકારી ખજાનાને પણ મોટી રાહત મળશે. વધુમાં, LPG કરતા પાઇપલાઇન ગેસ (PNG) વધુ સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે તેમાં સિલિન્ડર બદલવાની કે વારંવાર રિફિલ કરાવવાની કોઈ ઝંઝટ પણ રહેતી નથી.
યુદ્ધની અસર અને સરકારની તૈયારી
જોકે કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે દેશ પાસે પૂરતો સ્ટોક છે, પરંતુ ભવિષ્યની અનિશ્ચિતતાને જોતા સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે આ કડક આદેશો આપવા પડ્યા છે. મંત્રાલયના આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં રહેતા લોકોએ હવે ફરજિયાતપણે પાઈપલાઈન ગેસ પર જ નિર્ભર રહેવું પડશે.
આ પણ વાંચો:ભારત US પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં કેટલો વધારો કરશે? થયો મોટો ખૂલસો!
આ પણ વાંચો:સસ્તા ક્રૂડ ઓઇલનો લાભ જનતાને નહી મળે, સરકારે પેટ્રોલ-ડીઝલ પર વધારી એક્સાઇઝ ડ્યૂટી
આ પણ વાંચો:ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ બાદ દેશમાં પેટ્રોલ-ડિઝલ મોંઘુ થશે
