Ahmedabad Vastral Sinkhole: આપણે ત્યાં એક કહેવત છે કે ‘ચોમાસામાં તો રસ્તા પર ખાડા પડે, પણ અમદાવાદમાં ખાડામાં રસ્તા શોધવા પડે છે.’ જોકે, આ વખતે તો ચોમાસાની શરૂઆત હજુ દૂર છે, આકાશમાંથી વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી, ત્યાં જ અમદાવાદના રસ્તાઓ અત્યારથી દગો આપી રહ્યા છે. પૂર્વ વિસ્તાર ગણાતા વસ્ત્રાલમાં અચાનક રોડ બેસી જવાની ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ‘વિકાસ’ અને પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓના ફુરચેફુરચા ઉડાવી દીધા છે.
Ahmedabad : સોસાયટીની બહાર જ પડ્યો મસમોટો ભૂવો
મળતી વિગતો મુજબ, વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી આશીર્વાદ ડ્રીમ સોસાયટીની બિલકુલ બહાર જ અચાનક એક મસમોટો ભૂવો પડ્યો છે. ભર ઉનાળે રસ્તો બેસી જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભય અને ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. લોકોનો સવાલ એ છે કે જ્યારે વરસાદનું એક ટીપું નથી પડ્યું, ત્યારે જમીન આ રીતે બેસી કેમ જાય?

માત્ર બેરીકેટિંગ કરી સંતોષ માન્યો
ભૂવો પડવાની જાણ થતાં જ AMC ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ કાયમી અને ઝડપી ઉકેલ લાવવાને બદલે તંત્રએ પોતાની જૂની આદત મુજબ ભૂવાની આસપાસ માત્ર બેરીકેટિંગ કરીને સંતોષ માની લીધો છે. મુખ્ય રસ્તા પર જ આ ખાડો પડવાને કારણે આશીર્વાદ ડ્રીમ સોસાયટીના રહીશોને અને ત્યાંથી પસાર થતા હજારો વાહનચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટેક્સ ભરતા નાગરિકોનો રોષ
શહેરમાં ચોમાસા દરમિયાન ભૂવા પડવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે, પરંતુ ઉનાળામાં રસ્તો બેસી જતાં AMC ના એન્જિનિયરિંગ વિભાગની ગુણવત્તા સામે આંગળી ચીંધાઈ રહી છે. ટેક્સના પૈસે બનતા આ રસ્તાઓ નબળી ગુણવત્તાના મટિરિયલના કારણે થોડા જ સમયમાં ધોવાઈ જાય છે. સ્થાનિકો રોષભેર જણાવી રહ્યા છે કે આ ભૂવો નથી, પરંતુ સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારનું મોટું ગાબડું છે.
લોકોની ઉગ્ર માંગ છે કે તંત્ર માત્ર બેરીકેડ મૂકીને તમાશો જોવાની બંધ કરે અને ચોમાસું બેસે તે પહેલાં યુદ્ધના ધોરણે આ ભૂવાનું કાયમી અને મજબૂત સમારકામ કરે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
આ પણ વાંચો: અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં તંત્રની નબળી કામગીરી, ફરીથી ભુવો પડતાં પ્રજા રોષમાં
આ પણ વાંચો: અમદાવાદ : શાસ્ત્રીનગર રોડ પર પડયો મસ મોટો ભૂવો,વાહન ચાલકોની મુશ્કેલી વધી
આ પણ વાંચો: અમદાવાદ: જીવરાજ પાર્કમાં ફરી પડ્યો ભુવો, અત્યાર સુધીમાં 42 ભૂવાઓ પડ્યા
