Somnath News/ જાણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો સંપૂર્ણ અને રોમાંચક ઈતિહાસ

Somnath Temple History: આઝાદી પછી સરદાર પટેલે કેવી રીતે કર્યો સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ? શા માટે જવાહરલાલ નેહરુએ કર્યો હતો વિરોધ? જાણો સોમનાથ મહાદેવનો સંપૂર્ણ ઈતિહાસ.

Gujarat Others Trending
Somnath Temple History

Somnath Temple History: ગુજરાતના સૌરાષ્ટ્ર દરિયાકાંઠે વેરાવળ નજીક બિરાજમાન દેવાધિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે ‘સોમનાથ મંદિર’. હાલમાં આ મંદિરના પુનર્નિર્માણની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ઉજવણી થઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિશેષ હાજરી આપી હતી. પરંતુ, શું તમે જાણો છો કે આ મંદિરનો ઈતિહાસ કેટલો સંઘર્ષમય રહ્યો છે? આક્રાંતાઓ દ્વારા વારંવાર તોડી પાડવામાં આવ્યા પછી પણ આ મંદિર કઈ રીતે અડીખમ ઊભું રહ્યું? ચાલો જાણીએ સોમનાથ મહાદેવના ભવ્ય ઈતિહાસ અને આઝાદી પછીના વિવાદો વિશે.

Somnath Temple નો પૌરાણિક ઈતિહાસ શું છે?

સોમનાથ મંદિર કપિલા, હિરણ અને સરસ્વતી નદીના પવિત્ર ‘ત્રિવેણી સંગમ’ પર આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર, સૌથી પહેલાં ચંદ્રદેવ (સોમરાજ) એ અહીં સોનાનું મંદિર બનાવ્યું હતું. ત્યારબાદ રાવણે ચાંદીનું, ભગવાન શ્રીકૃષ્ણએ લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું મંદિર બનાવડાવ્યું હતું. ત્રિવેણી સંગમ હોવાને કારણે પ્રાચીન કાળથી જ આ સ્થળ હિન્દુઓ માટે અત્યંત પવિત્ર અને લોકપ્રિય તીર્થધામ રહ્યું છે.

Somnath Temple History

 લૂંટ અને વિનાશનો દોર

સોમનાથ મંદિરની અઢળક સંપત્તિ અને ભવ્યતા હંમેશા આક્રાંતાઓની આંખમાં ખૂંચતી હતી.

મહમૂદ ગઝનવીનો હુમલો (1026): અરબ યાત્રી અલ બરુનીના લખાણો વાંચીને મહમૂદ ગઝનવીએ ઈ.સ. 1026માં સોમનાથ પર ભયાનક હુમલો કર્યો. તેણે મંદિરની અઢળક સંપત્તિ (આજના હિસાબે આશરે ૫૦૦ કરોડ રૂપિયા) લૂંટી અને 50,000 જેટલા નિર્દોષ ભક્તોની ક્રૂરતાથી હત્યા કરી નાખી.

ખીલજી અને સલ્તનતકાળ: ઈ.સ. 1299માં અલાઉદ્દીન ખીલજીના સૈન્ય દ્વારા અને ત્યારબાદ 1394માં મુઝફ્ફર શાહ દ્વારા ફરીથી મંદિરને તોડવામાં આવ્યું.

ઔરંગઝેબની ક્રૂરતા: મુઘલ શાસક ઔરંગઝેબે 1665 થી 1706ની વચ્ચે મંદિરને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું. જ્યારે તેણે જોયું કે મંદિર તૂટ્યા પછી પણ ભક્તોની આસ્થા અકબંધ છે, ત્યારે તેણે ત્યાં સૈન્ય મોકલીને કત્લેઆમ મચાવી હતી.

અહલ્યાબાઈ હોલકરનું યોગદાન: આખરે ઈ.સ. 1780માં ઈન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે સુરક્ષાના કારણોસર જૂના ખંડિત મંદિરથી થોડે દૂર એક નવા શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું.

સરદાર પટેલનો ભગીરથ સંકલ્પ

અંગ્રેજોના 200 વર્ષના શાસન દરમિયાન સોમનાથ મંદિર તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. પરંતુ 13 નવેમ્બર 1947ના રોજ, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે જુનાગઢના વિલય બાદ ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો.

જ્યારે કનૈયાલાલ મુન્શી (કે.એમ. મુન્શી) અને સરદાર પટેલે આ અંગે મહાત્મા ગાંધી સાથે ચર્ચા કરી, ત્યારે ગાંધીજીએ સહમતિ તો આપી પણ એક શરત રાખી કે: “મંદિરના નિર્માણનો ખર્ચ સરકારે નહીં, પરંતુ જનતાના દાનમાંથી ઉઠાવવો જોઈએ.” આ માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી, જેની જવાબદારી કે.એમ. મુન્શીને સોંપાઈ.

નેહરુનો વિરોધ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો મક્કમ નિર્ણય

સોમનાથ મંદિરના પુનર્નિર્માણ સાથે એક મોટો રાજકીય વિવાદ પણ જોડાયેલો છે. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ આ નિર્માણ પ્રક્રિયામાં સરકારની સામેલગીરીની સખત વિરુદ્ધ હતા.

નેહરુનો તર્ક: નેહરુ માનતા હતા કે ધર્મનિરપેક્ષ (Secular) દેશની સરકારે કોઈપણ ધાર્મિક સ્થળના નિર્માણ સાથે જોડાવું જોઈએ નહીં. તેમણે આ પ્રયાસને ‘હિન્દુ પુનરુત્થાન’ ગણાવ્યો હતો.

રાષ્ટ્રપતિનો નિર્ણય: જ્યારે 11 મે 1951ના રોજ નવા બનેલા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને ઉદ્ઘાટનનો સમય આવ્યો, ત્યારે નેહરુએ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ત્યાં જવાની ના પાડી હતી. છતાં, ડૉ. રાજેન્દ્ર પ્રસાદે નેહરુની સલાહને અવગણીને સ્પષ્ટ કહ્યું કે, “મને મારા ધર્મ પર પૂરો ભરોસો છે અને હું મારી જાતને આનાથી અલગ રાખી શકું નહીં.” તેમણે ભવ્ય સમારોહમાં હાજરી આપી અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી.

મંદિરનું સંપૂર્ણ નિર્માણ

સરદાર પટેલે જોયેલું સપનું દાયકાઓ પછી પૂર્ણ થયું. 1 ડિસેમ્બર 1995ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્માએ સંપૂર્ણ રીતે તૈયાર થયેલું આ ભવ્ય મંદિર રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. નોંધનીય છે કે સોમનાથ ટ્રસ્ટના પ્રથમ અધ્યક્ષ સરદાર પટેલ હતા અને વર્તમાન અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

આજે સોમનાથ મહાદેવનું આ મંદિર આખી દુનિયાને એ જ સંદેશ આપી રહ્યું છે કે, “આસ્થાને ક્યારેય આતંકથી કચડી શકાતી નથી, સત્ય વારંવાર નષ્ટ થવા છતાં ફરી બેઠું થાય છે.”


આ પણ વાંચો:ગીર સોમનાથમાં 1 એપ્રિલથી સોમનાથ મંદિર ટ્રસ્ટની ઓળખ બદલાશે, ત્રિશૂલ બનશે નવી ઓળખ

આ પણ વાંચો:Somnath Templeના નિર્માણને નકાર્યું? નહેરુના પત્રનો ઉલ્લેખ કરીને ભાજપનો પ્રહાર

આ પણ વાંચો: સોમનાથ મંદિરમાં પ્રથમ વખત થયો ‘કુંભાભિષેક’ મહા અનુષ્ઠાન! જાણો તેનું ધાર્મિક મહત્વ