Monsoon Seed Purchase Guidelines: આગામી ચોમાસાની સીઝનને લઈને ખેડૂત મિત્રોએ ખેતીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાવણીના સમયે ખેડૂતો મોટા પાયે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતા હોય છે. ત્યારે આ સમયગાળામાં કેટલાક લેભાગુ તત્વો નકલી માલ પધરાવીને ખેડૂતો સાથે છેતરપિંડી કરતા હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા (એડવાઇઝરી) જાહેર કરવામાં આવી છે.
Monsoon : કોની પાસેથી ખરીદી કરવી અને ક્યાંથી ન કરવી?
અમદાવાદ જિલ્લાના નાયબ ખેતી નિયામક ડૉ. એચ. એમ. બાબરીયાએ ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું છે કે, ખેતી માટે જરૂરી તમામ ઈનપુટ્સ (બિયારણ, દવા, ખાતર) માત્ર અધિકૃત પરવાનો (લાયસન્સ) ધરાવતી સરકારી સંસ્થાઓ, સહકારી મંડળીઓ અથવા માન્યતા પ્રાપ્ત ખાનગી વેપારીઓ પાસેથી જ ખરીદવા જોઈએ. કોઈપણ સંજોગોમાં ગામમાં ફરતા ફેરીયાઓ, લાયસન્સ વગરની વ્યક્તિઓ કે શંકાસ્પદ પેઢીઓ પાસેથી સસ્તાના લાલચમાં ખરીદી કરવી નહીં.
ખરીદી સમયે પાકું બિલ લેવાનો આગ્રહ રાખો
ખેડૂતોને સાવચેત કરતા ખેતીવાડી વિભાગે સૂચના આપી છે કે વેપારી પાસેથી ખરીદી કરતી વખતે હંમેશા સહી-સિક્કાવાળું પાકું બિલ અચૂક માંગો. આ બિલમાં વેપારીનો લાયસન્સ નંબર, નામ-સરનામું, ખરીદેલી વસ્તુનું નામ અને લોટ નંબર સ્પષ્ટ લખેલો હોવો જોઈએ. આ ઉપરાંત, દવા કે બિયારણ લેતી વખતે તેની ‘એક્સપાયરી ડેટ’ (મુદત પૂરી થવાની તારીખ) પણ ખાસ ચેક કરી લેવી.
જમીન બચાવવા પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ
આજે વધુ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. ડૉ. બાબરીયાએ ખેડૂતોને સલાહ આપી છે કે જમીન ચકાસણી (સોઈલ ટેસ્ટિંગ) કરાવ્યા બાદ જ વૈજ્ઞાનિક ભલામણ મુજબ ખાતરનો ઉપયોગ કરવો. ઉપરાંત, જમીનને બિનઉપજાઉ બનતી અટકાવવા માટે ‘પ્રાકૃતિક ખેતી’ (Natural Farming) તરફ વળવા હાકલ કરી છે.
નકલી કે ભળતા નામવાળો માલ દેખાય તો અહીં કરો ફરિયાદ
ખેડૂતોનો પાક નિંદામણ મુક્ત રહેવો ખૂબ જરૂરી છે. જો કોઈ પણ ખેડૂતના ધ્યાનમાં એવું આવે કે તેમના વિસ્તારમાં અનઅધિકૃત રીતે અથવા બ્રાન્ડેડ કંપનીના ભળતા નામવાળા નકલી બિયારણ, ખાતર કે દવાનું વેચાણ થઈ રહ્યું છે, તો તેઓ તાત્કાલિક સ્થાનિક ગ્રામસેવકનો સંપર્ક કરી શકે છે.
આ ઉપરાંત, અમદાવાદ ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકની કચેરીના ટેલિફોન નંબર (079) 27506646 પર સીધી ફરિયાદ નોંધાવીને નકલી કારોબારનો પર્દાફાશ કરી શકે છે.
આ પણ વાંચો: નકલી બિયારણ સામે સરકારનું એક્શન, ૪૮૩ જેટલાને ફટકારી નોટીસ
આ પણ વાંચો: ખેડૂતોની મુસીબતોનો અંત નથી, માવઠું, વાવાઝોડું અને હવે નકલી બિયારણ
આ પણ વાંચો: બિયારણના કાળાબજાર થતા હોવાનો BJP કિસાન મોરચાના મંત્રીનો આક્ષેપ
