Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ફ્લેટમાંથી યુવકની હાથ-પગ બાંધેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મૃતક યુવકની હત્યા (Ahmedabad Murder Case) તેના જ રૂમ પાર્ટનરોએ ભેગા મળીને કરી હતી. માત્ર જમવામાં કીડી નીકળવાની ફરિયાદ બાદ થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી ગઈ હતી.
પોલીસે આ કેસમાં એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ હત્યા (Ahmedabad Murder Case) બાદ અમદાવાદ છોડીને ભાગી ગયા હતા, પરંતુ પોલીસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખરે ગુરુગ્રામથી આગ્રા જતી બસમાંથી ફિલ્મી ઢબે ઝડપાઈ ગયા હતા.
બંધ ફ્લેટમાંથી મળી હતી કોહવાયેલી લાશ
વટવા વિસ્તારમાં આવેલા સાંતેજ હોમ્સ ફ્લેટમાંથી થોડા દિવસ જૂની અને કોહવાઈ ગયેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં વટવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન મૃતકની ઓળખ વડોદરાના રહેવાસી ઇમરાન સિંધા તરીકે થઈ હતી. પોલીસને જાણવા મળ્યું કે ઇમરાન સાથે અન્ય ચાર લોકો પણ તે જ ફ્લેટમાં રહેતા હતા. જોકે ઘટના બાદ તમામ રૂમ પાર્ટનરો ફરાર થઈ જતા પોલીસને તેમની પર શંકા ગઈ હતી.
Ahmedabad Murder Case: જમવામાં કીડી આવતા થયો હતો ઝઘડો
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે બનાવના દિવસે રૂમમાં રહેતા રવિકુમાર અને એક કિશોરે જમવાનું બનાવ્યું હતું. જમવામાં કીડી નીકળતા ઇમરાને ફરિયાદ કરી હતી. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.બોલાચાલી દરમિયાન વાત એટલી વધી ગઈ કે વિરેન્દ્રસિંહ બઘેલ, ચંદ્રમોહન શર્મા, રવિકુમાર સાહુ અને સગીરે મળીને ઇમરાન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ બોથડ પદાર્થ વડે ઇમરાનના માથામાં ઘા મારતાં તે અર્ધબેભાન થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ ઇમરાનના હાથ-પગ બાંધી દીધા હતા અને મોઢામાં કપડું ઠૂંસી દીધું હતું. જેના કારણે ગૂંગળામણથી તેનું મોત નીપજ્યું હોવાનું પોસ્ટમોર્ટમ અને તપાસમાં સામે આવ્યું છે.
Ahmedabad Murder Case: હત્યા બાદ શહેર છોડીને ફરાર
હત્યા (Ahmedabad Murder Case)ને અંજામ આપ્યા બાદ ચારેય આરોપીઓ અમદાવાદ છોડીને ફરાર થઈ ગયા હતા. તેઓ પહેલા જયપુર ગયા, ત્યારબાદ ધોલપુર, આગ્રા, મથુરા, વૃંદાવન અને અન્ય વિસ્તારોમાં છુપાતા રહ્યા હતા.વટવા પોલીસ અને ઝોન-8 LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓનો પીછો ચાલુ રાખ્યો હતો. આખરે ગુરુગ્રામથી આગ્રા જતી બસમાં જતા સમયે પલવલ નજીક પોલીસે ફિલ્મી અંદાજમાં બસ રોકાવી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.
એક સગીર સહિત ચારની ધરપકડ
પકડાયેલા આરોપીઓમાં વિરેન્દ્રસિંહ બઘેલ ઉર્ફે વીરુ, ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચંદુ, રવિકુમાર સાહુ ઉર્ફે રવિ અને એક કાયદા સાથે સંઘર્ષમાં આવેલ કિશોરનો સમાવેશ થાય છે.હાલ વટવા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સમગ્ર ઘટનાના અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમિકાની હત્યા કરીને ઘરમાં દાટી દીધી, 34 વર્ષ બાદ રહસ્ય: ફિલ્મી ખુલાસા બાદ 2 ની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદના જમાલપુરમાં મોડી રાત્રે યુવકની ઘાતકી હત્યા, ૩ સામે ગુનો દાખલ
આ પણ વાંચો:અમદાવાદના જુહાપુરામાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદમાં 19 વર્ષીય યુવકની કરપીણ હત્યા
