World News/ લેબનાન મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિએ ઇઝરાયલી પીએમને સંભળાવ્યા કડવા શબ્દો

ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફોન પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે

Top Stories World
Donald Trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ઇઝરાયલના વડાપ્રધાન બેનજામિન નેતન્યાહૂ વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ, લેબનાનમાં ઇઝરાયલની વધતી સૈન્ય કાર્યવાહી અંગે ટ્રમ્પે ફોન પર નેતન્યાહૂ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

રિપોર્ટ અનુસાર, ઇરાન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં અવરોધ ઊભા થયા બાદ ટ્રમ્પ લેબનાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ જાળવવાના પ્રયાસોમાં સક્રિય બન્યા છે. આ દરમિયાન લેબનાનમાં હુમલા અટકાવવા માટે ટ્રમ્પે સીધો નેતન્યાહૂ સાથે સંપર્ક સાધ્યો હતો.

જો હું ન હોત તો જેલમાં હોત: ટ્રમ્પ

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે  નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, “તમે એકદમ પાગલ છો. જો હું ન હોત, તો તમે અત્યાર સુધીમાં જેલમાં હોત. હું તમારો જીવ બચાવી રહ્યો છું. હવે બધા તમને નફરત કરે છે. તમારા કારણે, બધા ઇઝરાયલને પણ નફરત કરે છે.”

જો કે, આ ઘટનાથી થોડા સમય પહેલાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ઇઝરાયલ અને લેબનાન વચ્ચે યુદ્ધવિરામ જાળવવા માટે થયેલી ચર્ચાને સકારાત્મક ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે બેરૂત તરફ જતી સૈન્ય કાર્યવાહી અટકાવવામાં આવી છે અને બંને પક્ષો તરફથી ગોળીબાર બંધ રાખવા અંગે સહમતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.

ટ્રમ્પના જણાવ્યા મુજબ, ઇઝરાયલ અને હિઝબુલ્લાહ બંનેએ એકબીજા પર હુમલા નહીં કરવાની ખાતરી આપી છે, જેના કારણે સરહદી વિસ્તારમાં તણાવ ઘટાડવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.