Surat News: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગર સ્લમ વિસ્તારમાં થયેલી મોટા પાયે ડિમોલિશન (Surat Nasirnagar Demolition) કાર્યવાહી હવે ગંભીર વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. અંદાજે 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હોવા છતાં આ કાર્યવાહી કોણે કરી અને કયા અધિકાર હેઠળ કરવામાં આવી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ શકી નથી.
Surat Nasirnagar Demolition : મનપા-પોલીસ બંને અજાણ!
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ડિમોલિશન (Surat Nasirnagar Demolition) દરમિયાન JCB અને અન્ય ભારે મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અનેક પરિવારોના મકાનો તોડી પાડવામાં આવતા તેઓ અચાનક બેઘર બની ગયા હતા. ઘટનાના સમયે મહાનગરપાલિકા અને પોલીસના કર્મચારીઓ પણ સ્થળ પર હાજર હોવાનું સ્થાનિકોનો દાવો છે.
આ સમગ્ર મામલે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ પાસેથી માહિતી મેળવતા જાણવા મળ્યું કે મહાનગરપાલિકાની ટીમ માત્ર માપણી અને રોડ લાઇન નિર્ધારણની કામગીરી માટે સ્થળ પર ગઈ હતી. સત્તાવાર રીતે કોઈ ડિમોલિશન ઓર્ડર આપવામાં આવ્યો નહોતો.
ધારાસભ્યના નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જો મહાનગરપાલિકા દ્વારા તોડફોડ કરવામાં આવી ન હોય તો પછી એકસાથે અનેક મશીનો સાથે આટલી મોટી કાર્યવાહી કોણે કરી તે સૌથી મોટો સવાલ બની ગયો છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ડિમોલિશન (Surat Nasirnagar Demolition) દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા. તેઓનો પ્રશ્ન છે કે જો કાર્યવાહી સત્તાવાર ન હતી તો પોલીસ દ્વારા તોડફોડ અટકાવવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો નહીં? આ મુદ્દે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
રાજકીય અને સામાજિક વર્તુળોમાં હવે આ સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે. કેટલાક લોકો દ્વારા જમીન માફિયા અથવા અન્ય તત્વોની સંડોવણીની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનાના કારણે અનેક ગરીબ અને શ્રમિક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. પોતાના આશિયાના ગુમાવનારા પરિવારો હાલ ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા મજબૂર બન્યા છે. ખાસ કરીને ચોમાસાની સિઝન નજીક હોવાને કારણે તેમની ચિંતા વધુ વધી છે.
ધારાસભ્ય વિનુ મોરડીયાએ જણાવ્યું છે કે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરાવવામાં આવશે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવશે. હાલ શહેરમાં આ ડિમોલિશન કેસ ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.
આ પણ વાંચો:રતમાં ચોંકાવનારું ‘નકલી ડિમોલિશન’, પાલિકા વગર મકાનો કોણે તોડ્યા?
આ પણ વાંચો:સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવોનું ડિમોલિશન કરાયું શરૂ
આ પણ વાંચો:સુરતમાં ડિમોલિશનની લ્હાયમાં ગરીબ બાળકોના ભણતરનું સપનું વિસરાયું
