Surat News: સુરતના વેડદરવાજા વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં થયેલા ડિમોલિશન (Nasirnagar Demolition Case) વિવાદે હવે ગંભીર રાજકીય અને વહીવટી સ્વરૂપ ધારણ કર્યું છે. અંદાજે 100 જેટલા મકાનો તોડી પાડવાની ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આખરે આ ડિમોલિશન કોણે કર્યું? મનપા, પોલીસ અને જવાબદાર અધિકારીઓ તરફથી મળતા વિરોધાભાસી જવાબોને કારણે સમગ્ર મામલો વધુ ગૂંચવાયો છે.
વિવાદ વચ્ચે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનને મીડિયાએ સવાલો પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યા વગર સ્થળ છોડતા હોવાના આક્ષેપો થયા છે. કમિશનરના આ વલણને લઈને સ્થાનિક લોકો તેમજ રાજકીય વર્તુળોમાં નારાજગી જોવા મળી રહી છે.
મહાનગરપાલિકા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાસીરનગરમાં સત્તાવાર ડિમોલિશન (Nasirnagar Demolition Case) કાર્યવાહી કરવામાં આવી નહોતી. મનપાના જણાવ્યા મુજબ ટીમ માત્ર રોડ લાઇન અને માપણીની કામગીરી માટે સ્થળ પર હાજર હતી. જોકે, તે દરમિયાન મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના બનાવે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ પણ સત્તાવાર રીતે ડિમોલિશન (Nasirnagar Demolition Case) ન કર્યાનો દાવો કર્યો છે. ઝોનલ અધિકારી દ્વારા પણ જાહેરમાં કહેવામાં આવ્યું કે તેમની કચેરીએ કોઈ તોડફોડની કાર્યવાહી કરી નથી અને તેમને પણ ખબર નથી કે ડિમોલિશન કોણે કર્યું. વધુમાં, પોલીસ બંદોબસ્ત માટે પણ કોઈ સત્તાવાર માંગ કરવામાં આવી નહોતી તેવું જણાવાયું છે.
સ્થાનિક રહીશોનો દાવો છે કે ડિમોલિશન દરમિયાન પોલીસ અને અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર હતા. જેના કારણે હવે પોલીસની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કાર્યવાહી સત્તાવાર ન હતી તો તેને રોકવા માટે પગલાં કેમ લેવામાં આવ્યા નહીં તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
આ સમગ્ર મામલો સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં પણ ગુંજ્યો હતો. બેઠક દરમિયાન અનેક ધારાસભ્યોએ અધિકારીઓની કામગીરી સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો. કેટલાક ધારાસભ્યોએ ગેરકાયદેસર બાંધકામોને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
Nasirnagar Demolition Case: સુરતમાં ભ્રષ્ટાચારના આક્ષેપો
ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani)એ બેઠકમાં આક્ષેપ કર્યો હતો કે કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોને પ્રોત્સાહન આપવા માટે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેમણે પારદર્શક તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે (Rajan Patel) સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી છે. તેમણે જણાવ્યું કે ડિમોલિશન (Nasirnagar Demolition Case) કેવી રીતે થયું અને તેની પાછળ કોણ જવાબદાર છે તે તપાસનો વિષય છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને તપાસ સોંપવામાં આવી છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ નાસીરનગર ડિમોલિશન (Nasirnagar Demolition Case) કેસ સુરત શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. ગરીબ પરિવારોને અસર કરતી આ ઘટનામાં જવાબદારી નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ વધુ મજબૂત બની રહી છે.
આ પણ વાંચો:સુરતમાં ચોંકાવનારું ‘નકલી ડિમોલિશન’, પાલિકા વગર મકાનો કોણે તોડ્યા?
આ પણ વાંચો:સુરતના નાસીરનગરમાં 100 મકાન કોણે તોડ્યા? મનપા અને પોલીસ બંનેએ હાથ ઊંચા કર્યા, વિવાદ વધુ ગરમાયો
આ પણ વાંચો:સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવોનું ડિમોલિશન કરાયું શરૂ
