Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)એ હિન્દુ લગ્નની કાયદેસર માન્યતા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે માત્ર મેરેજ રજિસ્ટ્રેશન અથવા મેરેજ સર્ટિફિકેટ (Marriage Certificate)ના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા મળી શકતી નથી. જો Hindu Marriage Act, 1955 હેઠળ નિર્ધારિત જરૂરી ધાર્મિક વિધિઓ કરવામાં આવી ન હોય, તો આવા લગ્ન કાયદાની નજરે માન્ય ગણાતા નથી.
હાઈકોર્ટ (Gujarat High Court)ની ખંડપીઠે જણાવ્યું કે લગ્નનું પ્રમાણપત્ર માત્ર પહેલેથી જ કાયદેસર રીતે સંપન્ન થયેલા લગ્નનો પુરાવો છે, પરંતુ તે પોતાની રીતે લગ્નને કાયદેસર બનાવતું નથી.
Gujarat High Court શું કહ્યું?
જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિસ આર.ટી. વછરાણીની ખંડપીઠે જણાવ્યું કે હિન્દુ મેરેજ એક્ટની કલમ-7 મુજબ હિન્દુ લગ્ન (Hindu Marriage Act) બંને પક્ષોના પરંપરાગત રીત-રિવાજો પ્રમાણે સંપન્ન થવા જોઈએ. જો સંબંધિત સમાજ અથવા પરંપરામાં સપ્તપદી (સાત ફેરા) લગ્નની આવશ્યક વિધિ હોય, તો સાતમો ફેરો પૂર્ણ થયા પછી જ લગ્ન કાયદેસર રીતે સંપન્ન ગણાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર દસ્તાવેજી નોંધણી હિન્દુ લગ્ન માટે જરૂરી ધાર્મિક વિધિનું સ્થાન લઈ શકતી નથી.
સમગ્ર કેસ શું હતો?
આ કેસ વિદેશમાં રહેતા એક ભારતીય વ્યક્તિ સાથે સંબંધિત હતો. અરજદારના જણાવ્યા મુજબ એક મહિલાએ મેરેજ સર્ટિફિકેટ રજૂ કરીને પોતાને તેની કાયદેસરની પત્ની હોવાનું જણાવ્યું હતું. અરજદારે દાવો કર્યો કે બંને વચ્ચે ક્યારેય હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા નહોતા, તેઓ ક્યારેય પતિ-પત્ની તરીકે સાથે રહ્યા નહોતા અને લગ્નની કોઈ વિધિ પણ યોજાઈ નહોતી. અરજદારે એવો પણ આરોપ લગાવ્યો કે નોકરી દરમિયાન દબાણ અને લાલચ આપીને લગ્ન સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર લેવાયા હતા.
મહિલાએ પણ સ્વીકારી મહત્વની હકીકત
કોર્ટમાં મહિલાએ પણ લેખિતમાં સ્વીકાર્યું હતું કે બંને વચ્ચે કોઈ લગ્ન સમારંભ કે ધાર્મિક વિધિ યોજાઈ નહોતી. તે છતાં નીચલી અદાલતે મેરેજ સર્ટિફિકેટના આધારે લગ્નની કાયદેસરતા અંગે સંપૂર્ણ સુનાવણી જરૂરી હોવાનું માની અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ અરજદારે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
Gujarat High Courtનો નિર્ણય
હાઈકોર્ટે કહ્યું કે જ્યારે બંને પક્ષોમાંથી એક પક્ષ પણ સ્વીકારી ચૂક્યો છે કે લગ્ન માટે જરૂરી વિધિઓ થઈ જ નથી, ત્યારે લાંબી ટ્રાયલ ચલાવવાનો કોઈ અર્થ રહેતો નથી. કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે હિન્દુ મેરેજ એક્ટની કલમ-8 હેઠળનું લગ્ન રજિસ્ટ્રેશન માત્ર પહેલેથી કાયદેસર રીતે થયેલા લગ્નનો પુરાવો છે. તે પોતાની રીતે પતિ-પત્નીનો કાયદેસર દરજ્જો આપતું નથી.
સપ્તપદીનું મહત્વ પણ સમજાવ્યું
ચુકાદામાં કોર્ટે (Gujarat High Court) હિન્દુ પરંપરામાં સપ્તપદીના ધાર્મિક અને સામાજિક મહત્વનો પણ ઉલ્લેખ કર્યો. કોર્ટે જણાવ્યું કે હિન્દુ લગ્ન માત્ર એક કરાર નથી, પરંતુ જીવનભરનો સંસ્કાર છે, જેમાં બંને વ્યક્તિ પરિવાર રચવાના સંકલ્પ સાથે જીવનસાથી બને છે. હાઈકોર્ટે (Gujarat High Court) કથિત લગ્નને અમાન્ય જાહેર કર્યા અને અરજદારને સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ જઈ મેરેજ રજિસ્ટ્રેશન તથા મેરેજ સર્ટિફિકેટ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવાની છૂટ આપી.
આ પણ વાંચો:હાઈકોર્ટના આદેશથી મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્ન સંપન્ન, પોલીસ રક્ષણનો આદેશ
આ પણ વાંચો:સુરતમાં યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવા હિન્દુ બન્યો યુવક
