Surat News/ વેસુમાં નબીરાઓની સ્ટંટબાજી, ટ્રાફિક નિયમોનો ભંગ, પોલીસને પડકારતી વધુ એક રીલ વાયરલ, 6 નબીરાઓના કાળા કાચવાળી ગાડીઓ સાથે સીનસપાટા

આ રીલમાં 6 જેટલા યુવાનો ફિલ્મી અંદાજમાં ભાઈગીરી કરતા અને સ્ટંટ કરતા જોવા મળે છે, વીડિયોમાં દેખાતા કેટલાક યુવાનોમાંથી એક પોલીસ કર્મચારીનો પુત્ર પણ છે.

Gujarat Surat

Surat News : સુરત શહેરના પોશ વિસ્તાર વેસુમાં કેટલાક યુવાનો દ્વારા કરવામાં આવેલી સ્ટંટબાજીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે પોલીસ માટે પડકાર સમાન બની ગયો છે. આ રીલમાં છ જેટલા યુવાનો ફિલ્મી અંદાજમાં ભાઈગીરી કરતા અને સ્ટંટ કરતા જોવા મળે છે. તેઓ માત્ર રીલ બનાવવા ખાતર જાહેર રોડ પર ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે ટ્રાફિક નિયમોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે.

વાયરલ થયેલી રીલમાં ત્રણ કાર એક પછી એક ઝડપથી આવતી જોવા મળે છે. બે યુવાનો એકબીજાના કોલર પકડીને ઊભા છે અને ત્યારે જ આ ત્રણ કારનો કાફલો તેમની તરફ ધસી આવે છે. ત્રણેય કાર તેમની આસપાસ ગોળ ગોળ ફરે છે, જે એક ખતરનાક દૃશ્ય ઊભું કરે છે. ત્યારબાદ કારમાંથી વધુ ત્રણ યુવાનો બહાર આવે છે અને જે યુવકે બીજાનો કોલર પકડ્યો હતો, તેને એક ગાડીની ડેકીમાં ધકેલી દેવામાં આવે છે.

આ સમગ્ર દૃશ્ય ફિલ્મી શૈલીમાં ભાઈગીરી દર્શાવવા માટે ફિલ્માવવામાં આવ્યું હતું. રીલમાં ફ્લેશ લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તમામ કાર કાળા કાચવાળી છે, જે કાયદાનું ઉલ્લંઘન છે. યુવાનો દ્વારા કરવામાં આવતા સ્ટંટ સ્પષ્ટપણે જોખમી છે અને અન્ય લોકો માટે પણ જોખમ ઊભું કરી શકે છે.

પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ સ્ટંટ વેસુના ગોલ્ડ માઈન્ડ કોમ્પ્લેક્સ નજીકના ઓપન ગ્રાઉન્ડમાં ફિલ્માવવામાં આવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું છે કે વીડિયોમાં દેખાતા કેટલાક યુવાનોમાંથી એક પોલીસ કર્મચારીનો પુત્ર પણ છે. આ માહિતી મળ્યા બાદ પોલીસ વધુ સતર્ક બની છે અને ગાડીઓના નંબરના આધારે તપાસ આગળ વધારી રહી છે.

વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીગ્નેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “હાલમાં વાયરલ થયેલો વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે અને અમે ગાડીઓના નંબરના આધારે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો વેસુ વિસ્તારનો છે. અમે ગાડી ચલાવનાર લોકો કોણ છે તેની તપાસ કરી રહ્યા છીએ.”

પોલીસ આ યુવાનો સામે આપત્તિજનક સ્ટંટ કરવા, ભાઈગીરીનો દેખાવ કરવા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર કાર્યવાહી કરે તેવી શક્યતા છે. જાહેર રોડ પર આ પ્રકારના ખતરનાક સ્ટંટ કરવા અને કાયદાનું ઉલ્લંઘન કરવું એ ગંભીર ગુનો છે અને પોલીસ આ મામલે કડક પગલાં લેશે તેવી અપેક્ષા છે.અગાઉ પણ આવા ઘણા વીડિયો વાયરલ થયા છે, જેમાં યુવાનો જાહેર સ્થળો પર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરવલ્લીમાં હાથમાં દારૂની બોટલ સાથેનો યુવતીની રીલ્સ વાયરલ

આ પણ વાંચો: ચાલું પરીક્ષામાં વિદ્યાર્થીઓએ બનાવી રીલ, ફૂલપ્રૂફ આયોજનવાળી પરીક્ષાના ઉડ્યા લીરેલીરા

આ પણ વાંચો: અમદાવાદમાં મહિલાને ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવી પડી ભારે! સાયબર ગઠિયા વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ