Himmatnagar news: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર નજીક સુંદરગઢ ગામ પાસે ખેડ-તસીયા રોડ પર પાર્ક કરેલી કારમાંથી એક તબીબનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટના શનિવારે મોડી રાત્રે સામે આવી હતી. જાણ થતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુંદરગઢ ગામ નજીક રોડની બાજુમાં લાંબા સમયથી ઉભેલી કારમાં એક યુવાન સીટ પર બેભાન હાલતમાં પડ્યો હોવાનું સ્થાનિકોના ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી તબીબી ટીમે તપાસ કરતા યુવાનનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ 112 પોલીસ હેલ્પલાઇનને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતાં જ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી કાર અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ હિંમતનગરના લક્ષ્મી પાર્ટી પ્લોટ નજીક આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતા ડૉ. હાર્દિક પંકજ રાવલ તરીકે થઈ હતી.

સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસને ઘટનાની સત્તાવાર જાણ કરવામાં આવ્યા બાદ રવિવારે સવારે પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. જોકે, ડૉક્ટરના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી છે.
