Jharkhand news/ ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ.. પંચાયતે કર્યો આરોપીને દંડ અને પછી દારૂ-ચિકનની પાર્ટી

ઝારખંડના ગુમલા જિલ્લામાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં ગામની પંચાયતે આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો. આરોપી પાસેથી દંડના નામે પૈસા લઈને દારૂ અને ચિકનની પાર્ટી કરાઈ હતી. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે.

India Breaking News
Panchayat

India News: ઝારખંડના ગુમલા જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મના કેસમાં ગામની પંચાયતે આરોપીને પોલીસ હવાલે કરવાને બદલે તેના બચાવ પક્ષમાં નિર્ણય લીધો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.  પંચાયતે આરોપી પાસેથી દંડના રૂપે એક લાખ રૂપિયા વસુલ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલુંજ નહીં આરોપી પાસેથી લીધેલા આ રૂપિયામાંથી 20 હજાર રૂપિયાની ચિકન પાર્ટી યોજાઈ હતી. આ સમગ્ર મામલો સામે આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

પંચાયતે (Panchayat) દુષ્કર્મના આરોપી પાસેથી દંડના પૈસા લઈ કરી પાર્ટી 

માનવતાને શર્મશાર કરતી આ સમગ્ર ઘટના ઝારખંડ (Jharkhand)ના ગુમલા જિલ્લાના ઘાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. પોલીસના જણાવ્યા મુજબ, શનિવારે સાંજે આરોપી સુનીલ લોહરા બાળકીના ઘરે પહોંચ્યો હતો. તે સમયે ઘરમાં બાળકી અને તેની માતા હાજર હતા. આરોપીએ માતાને બાળકીને પોતાની પાસે રાખવાની વાત કહી હતી જેથી તે ઘરકામ કરી શકે.

માતાએ વિશ્વાસ રાખીને બાળકીને આરોપી સાથે મોકલી હતી. આરોપી બાળકીને ઘરના એક રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. થોડા સમય બાદ બાળકી ગંભીર હાલતમાં અને લોહીલુહાણ અવસ્થામાં બહાર આવી રડવા લાગી હતી. બાળકીની હાલત જોઈ માતા ગભરાઈ ગઈ અને સમગ્ર ઘટનાની જાણ થઈ. ત્યારબાદ પરિવારજનોએ ગામના આગેવાનોને જાણ કરી હતી.

મામલો પોલીસ સુધી ન પહોંચે તે માટે બેઠક

ઘટના બાદ કેટલાક ગામલોકોએ પોલીસમાં ફરિયાદ કરવાને બદલે ગામમાં જ પંચાયત બોલાવી હતી. બાળકીને પહેલા ખાનગી ડૉક્ટર પાસે લઈ જવામાં આવી અને ત્યારબાદ રવિવારે ગામમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે એક લાખ રૂપિયાનો દંડ ફટકારી મામલો સમાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દંડના પૈસાથી દારૂ અને ચિકનની પાર્ટી

પંચાયતના નિર્ણય બાદ આરોપીએ 20 હજાર રૂપિયા તરત જ ચૂકવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ પૈસાથી ગામમાં દારૂ અને ચિકનની પાર્ટી યોજાઈ હતી. બાકીના 80 હજાર રૂપિયા એક અઠવાડિયામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘટનાએ પંચાયતની ભૂમિકા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ગુપ્ત બાતમીથી ખુલ્યો ભાંડો

ગામના જ એક જાગૃત વ્યક્તિએ સમગ્ર ઘટનાની ગુપ્ત માહિતી પોલીસને આપી હતી. માહિતી મળતાં જ ઘાઘરા પોલીસ તાત્કાલિક ગામમાં પહોંચી હતી. તે સમયે ગામમાં પાર્ટી ચાલી રહી હતી. પોલીસે આરોપી સુનીલ લોહરાની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને બાળકીની માતાના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પંચાયતે જવાબદારીથી હાથ ખંખેર્યાં 

અરંગી પંચાયતના મુખિયા લોદો એક્કાએ જણાવ્યું કે આ બેઠક અંગે તેમને અગાઉ કોઈ જાણ કરવામાં આવી નહોતી. પોલીસ ગામમાં પહોંચ્યા બાદ જ તેમને સમગ્ર ઘટનાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે આવી બેઠક પંચાયતની સત્તાવાર મંજૂરીથી યોજાઈ નહોતી.

કાયદામાં આ પ્રકારના ગુના માટે શું જોગવાઈ છે? 

બાળકો સાથેના જાતીય ગુનાઓ માટે ભારતમાં POCSO Act (Protection of Children from Sexual Offences Act) હેઠળ કડક જોગવાઈઓ છે. આવા કેસોમાં સમાધાન, દંડ અથવા ગામસ્તરે નિર્ણય લઈને ગુનો દબાવવાનો કોઈ કાનૂની આધાર નથી. પોલીસમાં ફરિયાદ નોંધાવવી અને કાયદાકીય કાર્યવાહી કરવી ફરજિયાત છે.

પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

પોલીસ હવે માત્ર દુષ્કર્મના કેસ (Rape Case)ની જ નહીં, પરંતુ મામલો દબાવવાનો પ્રયાસ કરનાર લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે. જો તપાસમાં કોઈએ પુરાવા છુપાવ્યા, ફરિયાદ નોંધાવવામાં અવરોધ ઊભો કર્યો અથવા આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવશે, તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો: વડોદરામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો આરોપ: પરિવારનો ‘લવ જેહાદ’નો આક્ષેપ, આરોપી ફરાર

આ પણ વાંચો: વડોદરાના છાણીમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ, POCSO હેઠળ ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો: રાજકોટમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ: 17 વર્ષીય કિશોર સામે POCSO હેઠળ ગુનો નોંધાયો