Gandhinagar News/ ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે કડક પગલાં: કાયમી ચેકપોસ્ટ

ગિરનાર (Girnar)પર્વત પર યાત્રાઓની સુરક્ષા માટે વન વિભાગના 25 ટ્રેકર કાયમી વોચ રાખશે

Top Stories Gandhinagar Gujarat
જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર (Girnar)વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી

Gandhinagar News : જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર (Girnar)વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો (Lion Attack)કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia,)અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે સંદર્ભે ગહન ચર્ચા કરી કેટલા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા .

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, તાજેતરમાં ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં દુ:ખદ ઘટના બની હતી. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા કેટલાક પગલાઓ લેવાનું નક્કી કર્યું છે.

ગિરનાર (Girnar)અભયારણ્ય વિસ્તારમાં કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરાશે

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગિરનાર (Girnar)અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધુ રહેતા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરી સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી ગિરનાર વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા, વન્યજીવ વ્યવસ્થાપન, ઇમરજન્સી પ્રતિસાદ અને આંતરવિભાગીય સંકલન માટે એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી તેનો અમલ કરવામાં આવશે,’’.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગિરનાર અને દાતાર સીડી માર્ગને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે, જેથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે. વળી, સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ગિરનાર પર્વત પર યાત્રાઓની સુરક્ષા માટે વન વિભાગનાં 25 ટ્રેકર કાયમી વોચ રાખશે

ગિરનાર પર્વત પર આવતા યાત્રાળુઓની સુરક્ષા સંદર્ભે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે વન્યજીવ વિસ્તારમાં કેવી રીતે વર્તવું તે અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં માર્ગદર્શન, સૂચનાઓ અને સુરક્ષા અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ (Wildlife Safety)વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે.


આ પણ વાંચો : ભાવનગરમાં મહિલા પર સિંહે હુમલો કરતા મહિલાની હાલત ગંભીર

આ પણ વાંચો : જૂનાગઢ વંથલીના ધણફુલિયા ગામે સિંહે 14 વર્ષિય સગીરા પર કર્યો હુમલો, સિંહે હુમલો કરતા સગીરાનું મોત

આ પણ વાંચો : સિંહે એટલો ભયાનક હુમલો કર્યો કે 7 વર્ષના બાળકનું શરીર ચૂંથી નાંખ્યું, હાથ-પગ-મોઢાના ટુકડા એકઠા કરતા વન વિભાગ થાક્યું