દુનિયાભરના શેરબજારો (stock market)માં ચાલી રહેલી ભારે અફરાતફરી અને ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારે શુક્રવારે મજબૂત શરૂઆત કરીને અનોખો પ્રતિકાર દર્શાવ્યો છે. જાપાન અને કોરિયા સહિત એશિયાના મોટાભાગના બજારોમાં કડાકો બોલાયો હોવા છતાં સ્થાનિક શેરબજાર લીલા નિશાન સાથે ખૂલ્યું હતું. શરૂઆતી કારોબારમાં જ બીએસઈ સેન્સેક્સ 257 પોઈન્ટ અથવા 0.33 ટકાના સુધારા સાથે 77,444.45 પર ખૂલ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી-50 ઈન્ડેક્સ 91 પોઈન્ટ અથવા 0.38 ટકા વધીને 24,163 ના સ્તરે ટ્રેડિંગમાં આવ્યો હતો.
બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં તેજી વધુ મજબૂત બની હતી. સવારે 9.30 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 515.09 પોઈન્ટના શાનદાર ઉછાળા સાથે 77,70.96 પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 141.30 પોઈન્ટ પ્લસ થઈને 24,214.05 ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો.
દુનિયાભરના બજારોમાં કેમ મચ્યો છે હાહાકાર?
અમેરિકાથી લઈને એશિયા સુધીના અગ્રણી શેરબજારોમાં તીવ્ર વેચવાલીનો માહોલ છે. કોરિયન ઈન્ડેક્સ KOSPI એક જ ઝટકામાં 6 ટકાથી વધુ તૂટ્યો છે અને જાપાની માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ છે. યુએસ માર્કેટમાં ગઈકાલે રાત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર (ચિપ) શેરોમાં થયેલી ધૂમ વેચવાલીના કારણે વૈશ્વિક સેન્ટિમેન્ટ બગડ્યું છે. આ સિવાય અન્ય મુખ્ય કારણો નીચે મુજબ છે:
ભૂ-રાજકીય તણાવ અને તેલના ભાવ: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકાએ સતત છઠ્ઠી રાત્રે ઈરાનના વ્યૂહાત્મક સ્થળો અને બંદરો પર એરસ્ટ્રાઈક કરી છે, જેના વળતા પ્રહારમાં ઈરાને કુવૈત-બહેરીન સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલો દાગી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની આશંકા વચ્ચે તેલના ભાવ આસમાને પહોંચવાની ચિંતા છે.
વ્યાજદરમાં વધારાનો ભય: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની અપેક્ષાઓ વધી રહી છે, જે ફુગાવાનું જોખમ વધારી શકે છે.
ક્રૂડ ઓઇલ અને કરન્સી માર્કેટની સ્થિતિ
ખાડી દેશોના સંકટના કારણે કાચા તેલની કિંમતો સતત વધી રહી છે. જુલાઈ ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.1 ટકા વધીને 85.34 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, છ અગ્રણી કરન્સી સામે ડોલરની મજબૂતી દર્શાવતો ડોલર ઈન્ડેક્સ (DXY) 0.02% ના સામાન્ય સુધારા સાથે 100.74 પર જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગત ટ્રેડિંગ સત્રમાં ભારતીય રૂપિયો ડોલર સામે 0.08% ઘટીને 96.35 ના સ્તરે બંધ થયો હતો. આ વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ વિદેશી રોકાણકારો ભારતીય બેન્કિંગ શેરો પર પસંદગીનો દાવ લગાવી રહ્યા હોવાથી સ્થાનિક બજાર ટકી રહ્યું છે.
આ પણ વાંચો:મોંઘવારીએ વધારી ચિંતા! RBI લોનની EMI પર લઈ શકે મોટો નિર્ણય? જાણો શું કહે છે નિષ્ણાતો
આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય તણાવ અને ખરીફ પાકની ચિંતા વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં 5%નો ઉછાળો, રસોડાનું બજેટ ખોરવાયું
આ પણ વાંચો:વૈશ્વિક બજારની અસરથી સોના-ચાંદીમાં ભારે ઉથલપાથલ, કિંમતોમાં બેતરફી વધઘટ વચ્ચે ક્રૂડ ઓઇલ ગગડ્યું
