વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલી ગરમાગરમી અને પ્રાદેશિક વિવાદોની સીધી અસર હવે સામાન્ય માણસના થાળી પર પડવા લાગી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર વ્યાપેલા ગંભીર તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારો પ્રભાવિત થયા છે, જેના પગલે ચાલુ જુલાઈ મહિનામાં જ સ્થાનિક માર્કેટમાં અલગ-અલગ ખાદ્ય તેલો (oil )ના જથ્થાબંધ ભાવમાં સરેરાશ 5 ટકા સુધીનો મોટો વધારો ઝીંકાયો છે. જથ્થાબંધ બજારની આ તેજી હવે ધીમે-ધીમે રિટેલ માર્કેટ સુધી પહોંચી રહી છે, જેથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.
યુદ્ધની સ્થિતિ અને ખરીફ વાવેતર પર નિર્ભરતા
બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ખાદ્ય તેલના ભાવમાં હાલ શરૂઆતી વધારો દેખાયો છે, પરંતુ જો ખાડી દેશોનો આ વિવાદ લાંબો ખેંચાશે તો આગામી દિવસોમાં કિંમતો વધુ ભડકે બળશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ખરીફ સિઝનમાં તેલીબિયાં પાકોના વાવેતરમાં ધારણા કરતાં ઓછી પ્રગતિ પણ ચિંતા વધારી રહી છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશોમાંથી આયાત કરતો હોવાથી આ બંને પરિબળો ભાવને સતત ટેકો આપી રહ્યા છે.
કયા તેલમાં કેટલો વધારો થયો? (પ્રતિ લિટર જથ્થાબંધ ભાવ):
ચાલુ માસ દરમિયાન જથ્થાબંધ બજારમાં તેલના ભાવમાં પ્રતિ કિલોએ ₹4 થી ₹7 સુધીનો ઉછાળો આવ્યો છે:
સરસવનું તેલ: અગાઉના 157-158 ના સ્તરેથી વધીને હવે ₹162-165 પર પહોંચ્યું છે.
રિફાઇન્ડ સોયાબીન ઓઇલ: ₹140-141થી વધીને ₹145-148ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે.
મગફળીનું તેલ (સિંગતેલ): પ્રતિ લિટર ₹154-155 થી ઉછળીને ₹160-162 થયું છે.
સૂર્યમુખી તેલ (સનફ્લાવર): કિંમતોમાં ₹5 થી ₹7 નો વધારો થતાં નવો ભાવ ₹162-164 થયો છે.
નબળો રૂપિયો અને ક્રૂડની તેજી પણ જવાબદાર
સેન્ટ્રલ ઓઇલ ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડના વર્તુળોનું કહેવું છે કે દેશમાં હાલ ખાદ્ય તેલના સ્ટોક કે સપ્લાયની કોઈ અછત નથી. પરંતુ, અમેરિકા-ઈરાન વિવાદને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ (ખનિજ તેલ) મોંઘું થતાં તેની સીધી નકારાત્મક અસર ખાદ્ય તેલના ઈન્ટરનેશનલ રેટ્સ પર પડી છે. ભારતીય ખાદ્ય તેલ વેપારી ફેડરેશનના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્ય તેલના વેપારની ચાલ ઘણીખરી ક્રૂડ ઓઇલની હિલચાલ સાથે જોડાયેલી હોય છે. આ ઉપરાંત, અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં જોવા મળેલી નરમાઈના કારણે પણ આયાત મોંઘી બની છે, જે સ્થાનિક સ્તરે ભાવવધારાનું મુખ્ય કારણ છે.
ભાવની ભવિષ્યની સ્થિતિનો આધાર હવે અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવની અવધિ અને દેશમાં ચોમાસા દરમિયાન તેલીબિયાંના કુલ વાવેતરના અંતિમ આંકડા પર રહેશે. જો પુરવઠાની સાંકળ (સપ્લાય ચેઈન) લાંબો સમય પ્રભાવિત રહેશે, તો ગ્રાહકોએ આગામી તહેવારોમાં વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
