Business News/ ભારત-બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર આજથી અમલી

ભારત અને બ્રિટન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (trade deal)(FTA) આજથી અમલી બન્યો છે. આ ડીલના કારણે લક્ઝરી વાહનો, સ્કોચ વ્હિસ્કી અને કપડાં સસ્તા થશે, જ્યારે ભારતના નિકાસ ઉદ્યોગને મોટી પાંખો મળશે. વાંચો સંપૂર્ણ વિગતવાર અહેવાલ.

Trending Business
India-UK trade deal comes into effect from today

દેશના આર્થિક જગત અને ગ્રાહકો માટે એક શાનદાર સમાચાર સામે આવ્યા છે. ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેનો બહુપ્રતીક્ષિત મુક્ત વ્યાપાર કરાર (trade deal)(FTA) આજથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે. આ કરાર અમલમાં આવતાની સાથે જ બ્રિટનથી આયાત થતી લક્ઝરી કાર, પ્રીમિયમ બ્રાન્ડની વ્હિસ્કી, આધુનિક ફેશનના કપડાં અને ફૂટવેર ભારતીય બજારમાં નોંધપાત્ર પ્રમાણમાં સસ્તા થઈ જશે. આ ઐતિહાસિક આર્થિક ભાગીદારીને કારણે વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો થઈને 120 બિલિયન ડોલર સુધી પહોંચવાની પ્રબળ સંભાવના છે.

ઐતિહાસિક ડીલ: ટેરિફનું નવું માળખું

લાંબી ચર્ચા અને વાટાઘાટોના કુલ 14 રાઉન્ડ પૂરા થયા બાદ, આ ડીલ પર વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને બ્રિટિશ વેપાર મંત્રી જોનાથન રેનોલ્ડ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા યુકેના પીએમ કીર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કર્યા હતા.

ભારતીય નિકાસકારોને લોટરી:

નવી વ્યવસ્થા હેઠળ, ભારતમાંથી બ્રિટન મોકલવામાં આવતા 99% સામાન પર હવે ત્યાં કોઈ ટેક્સ એટલે કે ઝીરો ટેરિફ લાગશે.

બ્રિટિશ માલ પર રાહત:

સામે પક્ષે બ્રિટનથી ભારત આવતી 99% પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટીનો સરેરાશ દર 15% થી ઘટાડીને માત્ર 3% જેવો નજીવો કરી દેવામાં આવ્યો છે. ભારતમાં સ્થિત યુકેના હાઈ કમિશનર લિન્ડી કેમરને આ ક્ષણને ભારત-બ્રિટન આર્થિક ભાગીદારીના નવા યુગની ઐતિહાસિક શરૂઆત ગણાવી છે.

ગ્રાહકોને કઈ વસ્તુઓમાં મોટો આર્થિક ફાયદો થશે?

પ્રીમિયમ વ્હિસ્કી અને જિન: બ્રિટનથી આવતી સ્કોચ વ્હિસ્કી અને જિન પર અગાઉ લાગતો 150% નો ભારેભરખમ ટેક્સ હવે સીધો અડધો એટલે કે 75% થઈ જશે. આગામી દસ વર્ષમાં આ ટેક્સ ઘટીને 40% સુધી આવી જશે, જેના લીધે મોંઘી સ્કોચની બોટલ સસ્તી મળશે.

 મોંઘી લક્ઝરી ગાડીઓ: જગુઆર લેન્ડ રોવર અને રોલ્સ રોયસ જેવી બ્રિટિશ લક્ઝરી કાર પર અત્યાર સુધી લાગતી 100% ની ડ્યુટી હવે કોટા સિસ્ટમ હેઠળ માત્ર 10% ની આસપાસ આવી જશે. પરિણામે આ વાહનોની કિંમતો 20 થી 30 ટકા જેટલી તૂટી શકે છે.

દૈનિક વપરાશની ચીજો: વિદેશથી આવતી પ્રીમિયમ ચોકલેટ, બિસ્કિટ, સૅલ્મોન ફિશ તેમજ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના કપડાં, ફર્નિચર, શૂઝ અને કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સના ભાવો પણ નોંધપાત્ર રીતે ઘટી જશે.

ભારતના કયા ઉદ્યોગોને મળશે નવો વેગ?

આ મુક્ત વ્યાપાર કરાર માત્ર ગ્રાહકો માટે જ નહીં, પણ ભારતીય ઉદ્યોગો માટે સોનાની લગડી સમાન સાબિત થશે.

ટેક્સટાઇલ અને ગારમેન્ટ સેક્ટર: બ્રિટનમાં ભારતીય વસ્ત્રો પર લાગતો 8 થી 12 ટકા ટેક્સ નાબૂદ થતાં સુરત, લુધિયાણા અને તિરુપ્પુર જેવા ટેક્સટાઇલ હબની નિકાસમાં 40% નો મોટો ઉછાળો આવી શકે છે.

જ્વેલરી, ચામડું અને એન્જિનિયરિંગ: રત્ન-આભૂષણો અને ચામડાની બેગ કે શૂઝ બનાવતા નાના ઉદ્યોગો (MSMEs) ને યુકેના બજારમાં સીધો પ્રવેશ મળશે. આ સિવાય પુણે અને ચેન્નઈ જેવા ઓટો હબમાંથી સ્પેરપાર્ટ્સ અને મશીનરીની નિકાસ પણ કોઈ પણ કર વગર સરળતાથી થઈ શકશે.

ફાર્મા અને મેડિકલ ક્ષેત્ર: ભારતની જેનરિક દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓને હવે બ્રિટનની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (NHS) માં સહેલાઈથી ઓર્ડર મળશે અને ત્યાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ઝડપી બનશે.

કૃષિ અને ગ્રીન એનર્જી: આસામની પ્રીમિયમ ચા, ગુજરાત અને કેરળના મસાલા, બાસમતી ચોખા તેમજ કલીન એનર્જી-સોલાર સેક્ટરમાં બ્રિટન તરફથી મોટું રોકાણ આવવાનો માર્ગ મોકળો થયો છે.

વર્ષ 2022 થી શરૂ થયેલી આ લાંબી કાનૂની અને વ્યાપારી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે. ભારત અગાઉ યુએઈ, ઓસ્ટ્રેલિયા અને મોરેશિયસ જેવા દેશો સાથે આવા કરારો કરી ચૂક્યું છે અને હવે પશ્ચિમી દેશો પર ધ્યાન કેન્દ્રિત કરીને યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે પણ આ જ પ્રકારની ડીલ માટે સક્રિયતાથી આગળ વધી રહ્યું છે.


આ પણ વાંચો: વૈશ્વિક ગતિવિધિઓ અને કથળતા હવામાનનો બેવડો માર: દેશમાં મોંઘવારીનો પારો વધુ ઊંચકાવવાની ભીતિ

આ પણ વાંચો: 44 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, ઇંધણ-વીજળી 27.4% મોંઘાં; ખરીફ વાવણીમાં પણ મોટો ઘટાડો

આ પણ વાંચો: ઈરાન-અમેરિકા તણાવની શેરબજાર પર ગંભીર અસર,રોકાણકારોના કરોડો સ્વાહા