વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય તણાવ વધવાની સીધી અસર ભારતીય શેરબજાર (sentiment ) પર જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સરકી રહેલી યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝ વેપારી માર્ગ પ્રભાવિત થવાના અહેવાલોથી બજારમાં ભારે ગભરાટ ફેલાયો છે. વિશ્વમાં ક્રૂડ ઓઈલની અછત સર્જાવાની આશંકા વચ્ચે ફંડો અને મોટા રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ અને વેચવાલીનો આશરો લેતા બજાર ધબડકો ખાઈ ગયું છે. આ કડાકાને કારણે આજે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે.
બજારની આજની સ્થિતિ, કયા સેક્ટરમાં કેવો રહ્યો માહોલ?
આજના કારોબારી સત્રના અંતે મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 561.46 પોઈન્ટના ઘટાડા સાથે 77054.94 પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 158.95 પોઈન્ટ ગબડીને 24052.05 ની સપાટીએ અટકો હતો. વૈશ્વિક ચિંતાઓની સાથે ડોલર સામે ભારતીય રૂપિયો 57 પૈસા નબળો પડીને 96.20 ના સ્તરે પહોંચતા અને ચોમાસાની અનિશ્ચિતતા વધતા બજાર પર દબાણ બેવડાયું હતું.
ઓટો અને બેંકિંગ શેરોમાં મોટું ગાબડું: ક્રૂડ ઓઈલ મોંઘું થવાના કારણે વાહનોના વેચાણ પર નકારાત્મક અસર પડવાની આશંકાથી ઓટો સેક્ટરમાં મોટો ઘટાડો નોંધાયો હતો. બજાજ ઓટો, ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી કંપનીઓના શેર તૂટ્યા હતા. બેંકિંગ ક્ષેત્રે પણ સ્ટેટ બેંક, કેનેરા બેંક અને કોટક મહિન્દ્રા સહિતના અગ્રણી શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.
આઈટી અને કેપિટલ ગુડ્સમાં નબળાઈ: વૈશ્વિક સેલિંગ પ્રેશરના કારણે એચસીએલ ટેક જેવા આઈટી શેરો તેમજ પાવર અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં રિકવરી જોવા મળી નહોતી. ક્રૂડના વધતા ભાવને લીધે ઓઈલ એન્ડ ગેસ કંપનીઓ જેવી કે ઈન્ડિયન ઓઈલ અને એચપીસીએલમાં પણ નુકસાની રહી હતી.
આ સેક્ટર્સે બજારને ટેકો આપ્યો: બજારના આ ચોતરફા કડાકા વચ્ચે પણ મેટલ-માઈનિંગ (નાલ્કો, જિન્દાલ સ્ટીલ) અને હેલ્થકેર-ફાર્મા શેરો (બાયોકોન, દિવીઝ લેબ) માં રોકાણકારોની પસંદગીની ખરીદી નીકળતા આ શેરો ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.
રોકાણકારોને મોટો ફટકો
શેરબજારમાં આવેલી આ સાર્વત્રિક વેચવાલીને પગલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) માં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન એક જ દિવસમાં આશરે રૂ. 2.94 લાખ કરોડ ઘટીને રૂ. 479.47 લાખ કરોડ પર આવી ગયું હતું.
