વૈશ્વિક અર્થતંત્ર (Economy)માં અમેરિકન ડોલરની બાદશાહતને પડકારવા માટે ચીને હવે એક નવો આર્થિક દાવ ખેલ્યો છે. ચીન પાસેથી અબજો ડોલરની લોન લઈને દેવાના ડુંગર નીચે દબાયેલા આફ્રિકન દેશો પર હવે ચીની (China )ચલણ ‘યુઆન’ (Yuan) માં ચૂકવણી કરવાનું દબાણ વધી રહ્યું છે. ચીનની આ નવી નીતિ સામે કેન્યા જેવા દેશોએ ઘૂંટણ ટેકવવાનું શરૂ કરી દીધું છે, જેની સીધી અસર આગામી સમયમાં ભારત સહિત વૈશ્વિક વેપાર પર જોવા મળી શકે છે.
ડોલરની પકડમાંથી છૂટવા ચીનની નવી ચાલ
ચીને (China ) પાકિસ્તાન ઉપરાંત આફ્રિકાના અનેક દેશોને વિકાસના નામે જંગી લોન આપીને પોતાની જાળમાં ફસાવ્યા છે. હવે ચીન આ તમામ દેશો પાસેથી ડોલર (Dollar)ના બદલે પોતાના સ્થાનિક ચલણ યુઆનમાં લોન પરત માંગી રહ્યું છે. આ કવાયત પાછળનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકન ડોલરના પ્રભાવને તોડવાનો છે. કેન્યાએ પોતાના દેવાનો એક મોટો હિસ્સો ડોલરના બદલે યુઆનમાં ચૂકવવાની તૈયારી બતાવી દીધી છે, જેને આર્થિક નિષ્ણાતો વૈશ્વિક બજારમાં એક મોટા પરિવર્તનની શરૂઆત માની રહ્યા છે. જો ભારત પણ ભવિષ્યમાં યુઆન તરફ વળે છે, તો તેનાથી દેશના વેપારને ફાયદો અને નુકસાન બંને થઈ શકે છે.
વિકાસના નામે દેવાનો ફાંસો
છેલ્લા બે દાયકામાં ચીને આફ્રિકન દેશો(African countries)ને આશરે 150 થી 180 અબજ ડોલરની લોન વહેંચી છે. જ્યારે વિશ્વ બેંક અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ કડક નિયમો હેઠળ લોન આપતી હતી, ત્યારે ચીને (China )કોઈ પણ શરત વગર અંગોલા, ઇથોપિયા, કેન્યા, ઇજિપ્ત અને નાઇજીરીયા જેવા દેશોને અબજો રૂપિયા આપ્યા. આ દેશોએ રેલ્વે, એરપોર્ટ અને પાવર પ્લાન્ટ જેવા મોટા પ્રોજેક્ટ્સ તો ઉભા કરી દીધા, પરંતુ હવે અસલી મુશ્કેલી શરૂ થઈ છે.
સ્થાનિક પ્રજા પર આર્થિક સંકટ
ચીન(China )ની લોનથી બનેલા આ પ્રોજેક્ટ્સમાંથી એટલી કમાણી નથી થઈ રહી કે લોનના હપ્તા ભરી શકાય. આફ્રિકન સરકારો પોતાની જનતા પાસેથી સ્થાનિક ચલણમાં ટેક્સ વસૂલે છે, પરંતુ ચીનને ચૂકવણી કરવા માટે તેમણે વિદેશી ચલણની જરૂર પડે છે. જ્યારે પણ આ દેશોનું ચલણ નબળું પડે છે, ત્યારે ચીનનું દેવું અચાનક વધી જાય છે. પરિણામે, દેશની કમાણીનો મોટો ભાગ ચીનના વ્યાજમાં જ જતો રહે છે અને ત્યાંની સરકારો પાસે શિક્ષણ, આરોગ્ય કે સુરક્ષા માટે બજેટ બચતું નથી.
આ આર્થિક ખાધ અને ડોલરના રોજબરોજના વધઘટ થતા ભાવોથી બચવા કેન્યાએ પોતાના દેવાને યુઆનમાં કન્વર્ટ કરી લીધું છે. નિષ્ણાતોના મતે, આ માત્ર નાણાકીય લેણદેણ નથી, પરંતુ ચીન દુનિયાભરમાં ડોલરની સમાંતર પોતાની આર્થિક સત્તા સ્થાપવા માંગે છે.
