Ahemdabad News: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પહેલાં ગુજરાત ATSએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ સઘન બનાવી છે. સિદ્ધપુરમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ પાંચ શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. અગાઉ પકડાયેલા આઠ શંકાસ્પદ આતંકીઓ સાથેના સંભવિત કનેક્શન અને જૈશ-એ-મોહમ્મદ (Jaish e Mohammad)ના નેટવર્ક અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
સિદ્ધપુરમાં ATSનું સર્ચ ઓપરેશન, 5 ડિટેન કરાયા
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ગત 13મી તારીખે પાટણ (Patan)જિલ્લાના સિદ્ધપુર (Siddhpur)શહેરમાં દેશ વિરોધી પ્રવૃતિ કરતા તત્વો સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલી એક કટલરીની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિ દ્વારા રમકડાંમાં વપરાતી બેટરીઓ ખરીદવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાંચ શંકાસ્પદ વ્યક્તિઓની ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
નૂરાની ટેલર્સમાંથી શંકાસ્પદની અટકાયત
તપાસ દરમિયાન ઝાંપલીપોળ સ્થિત ‘નૂરાની ટેલર્સ’માંથી એક શંકાસ્પદ વ્યક્તિને ડિટેન કરવામાં આવ્યો હતો. ATSની ટીમ તેને વધુ પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
વધુ પાંચ શંકાસ્પદ શખ્સો ડિટેન
આ ઓપરેશનના ભાગરૂપે આજે સિદ્ધપુરમાંથી વધુ પાંચ શંકાસ્પદ શખ્સોને ડિટેન કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસના સહયોગથી શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ તમામ શંકાસ્પદોની પૂછપરછ કરીને તેમના સંપર્કો અને પ્રવૃત્તિઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ATSની પ્રાથમિક તપાસમાં અગાઉ ઝડપાયેલા શંકાસ્પદોના તાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની માહિતી સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે કેટલાક શખ્સો સંગઠનની વિચારધારાનો ગુજરાતીમાં પ્રચાર કરવા માટે સાહિત્યનું ભાષાંતર પણ કરી રહ્યા હતા.
અગાઉ 8 શંકાસ્પદોની ધરપકડ
3 જુલાઈએ ગુજરાત ATSએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને દેવાસ જિલ્લામાંથી કુલ આઠ શંકાસ્પદોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાની વિગતો પણ સામે આવી હતી.
ચાટાવાડા ગામમાં પણ તપાસ
સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં એક શંકાસ્પદના નિવાસસ્થાને પણ ATSએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરિવારજનોની પૂછપરછ ઉપરાંત સ્થાનિક વેપારીઓ પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તપાસના આધારે આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરક્ષા વ્યવસ્થા વધુ કડક
ઉલ્લેખનીય છે કે રથયાત્રા (Rath Yatra) પૂર્વે રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. ATS, સ્થાનિક પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સંકલિત રીતે કામગીરી કરીને કોઈપણ સંભવિત આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવવાના પ્રયાસ કરી રહી છે. હાલ તમામ શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો:ગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા
આ પણ વાંચો:ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહી, ₹1190 કરોડના કોકેઇન કેસમાં NIAની પણ એન્ટ્રી
