Ahmedabad News : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ગુરુવારે આતંકવાદ સામેની મોટી કાર્યવાહી કરતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)સાથે સંકળાયેલા હોવાના શંકાસ્પદ 8 લોકોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ આતંકીઓ (Terrorists) ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક મજબૂત બનાવવા અને નવા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSને મળેલી ગુપ્ત બાતમીના આધારે ગુજરાત અને મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં એકસાથે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અલગ-અલગ ટીમો બનાવી કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 8 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હાલ તમામની સઘન પૂછપરછ ચાલી રહી છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય રીતે જોડાયેલા હોવાની શંકા છે. તેઓ રાજ્યમાં સંગઠનનું નેટવર્ક ઉભું કરવા, સંપર્કો વધારવા અને અન્ય પ્રવૃત્તિઓને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવા, સંપર્કો અને અન્ય દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
પકડાયેલા શંકાસ્પદોમાં અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા, ઝકારિયા દુરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી અને બિલાલ મોહમ્મદનો સમાવેશ થાય છે.
ગુજરાત ATS દ્વારા તમામ સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન તેમના અન્ય સાથીદારો, ફંડિંગ, સંપર્કો અને સંભવિત નેટવર્ક અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
રાજ્યની સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સતત સતર્કતા જાળવી રાખવામાં આવી રહી છે.
