વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલા આર્થિક પ્રવાહો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે રોકાણકારોની બદલાતી પસંદગીને કારણે ભારતીય બજાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે. પ્રાપ્ત ડેટા અનુસાર, વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) ભારત કેન્દ્રીત ફંડ્સમાંથી મોટા પાયે પોતાના નાણાં પાછા ખેંચી રહ્યા છે અને આ મૂડી હવે અમેરિકા સહિતના અન્ય દેશોના બજારો તરફ વળી રહી છે.
અમેરિકન બજાર તરફ રોકાણકારોનો ધસારો
ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૬માં વિદેશી રોકાણકારો (investor) એ ભારત કેન્દ્રીત ફંડ્સમાંથી નેટ 9 અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચી લીધું છે. આની સામે ગયા સપ્તાહમાં જ અમેરિકા કેન્દ્રીત ફંડ્સમાં 27 અબજ ડોલરનો જંગી નવો મૂડી પ્રવાહ નોંધાયો છે. આ અગાઉના બે સપ્તાહમાં રોકાણકારોએ ત્યાંથી 25 અબજ ડોલર ઉપાડ્યા હતા, પરંતુ હવે ફરીથી અમેરિકન બજાર રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યું હોય તેવા સંકેતો છે.
કયા ફંડ્સમાંથી કેટલા નાણાં નીકળ્યા?
અહેવાલ વિગતે દર્શાવે છે કે, ભારતીય બજારમાંથી થયેલા કુલ આઉટફ્લોમાં લોન્ગ ટર્મ ફંડ્સમાંથી 7 અબજ ડોલર અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)માંથી આશરે 2 અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૩થી ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન ભારત કેન્દ્રીત લોન્ગ ઓન્લી ફંડ્સમાં અંદાજે 20 અબજ ડોલર આવ્યા હતા, જેમાંથી મોટી રકમ રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ સ્વરૂપે અત્યાર સુધીમાં ઉપાડી લીધી છે.
આ દેશોમાંથી ભારતમાં સૌથી વધુ રિડમ્પશન થયું
ભારતમાંથી નાણાં પાછા ખેંચવામાં વિદેશી સ્તરે લક્ષમબર્ગ સૌથી મોખરે રહ્યું છે, જ્યાંથી આશરે 3.50 અબજ ડોલરનું રોકાણ ઘટ્યું છે. આ યાદીમાં બીજા ક્રમે અમેરિકા છે જ્યાંથી 2.40 અબજ ડોલર અને ત્રીજા ક્રમે જાપાન છે જ્યાંથી 2.10 અબજ ડોલરનું રોકાણ રીડિમ કરવામાં આવ્યું છે.
એઆઈ (AI) સેક્ટરમાં ધીમી પડતી ગતિ અને ગોલ્ડ ફંડ્સની સ્થિતિ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે અગાઉ જે ચોતરફ તેજી જોવા મળતી હતી, તેમાં હવે સાવચેતી જોવા મળી રહી છે. તાજેતરમાં આવેલા કરેક્શન બાદ વિદેશી રોકાણકારો હવે દક્ષિણ કોરિયા અને તાઈવાન જેવા દેશોના ચોક્કસ ફંડ્સ તરફ વળ્યા છે. જો કે, અગાઉ જે સ્તરે AIમાં આંધળું રોકાણ થતું હતું, તેની સરખામણીએ હવે માત્ર પસંદગીની ગુણવત્તાયુક્ત કંપનીઓમાં જ નાણાં ઠલવાઈ રહ્યા છે. બીજી તરફ, સલામત રોકાણ ગણાતી કિંમતી ધાતુઓમાં નાણાંનો પ્રવાહ સ્થિર થયો છે અને ગયા સપ્તાહે ગોલ્ડ ફંડ્સમાં 31.70 કરોડ ડોલરનો નવો ઈન્ફ્લો જોવા મળ્યો છે.
આ પણ વાંચો:ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક બજારોમાં ખળભળાટ, ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી
આ પણ વાંચો:ભારતમાં ગોલ્ડ લોનનો ક્રેઝ વધ્યો; 3 વર્ષમાં બજાર સરેરાશ લોનની રકમ થઈ બમણી
