Business News : અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpના ઈરાન અંગેના કડક નિવેદન બાદ વૈશ્વિક નાણાકીય બજારો (Global Market)માં અચાનક અસ્થિરતા જોવા મળી છે. અમેરિકાએ ઈરાન સાથેના યુદ્ધવિરામને લઈને કડક વલણ અપનાવ્યાની ચર્ચાઓ વચ્ચે ભારતીય શેરબજાર (Stock Market)માં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.
બપોરે લગભગ 2:15 વાગ્યે BSE સેન્સેક્સ 1,600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 76,523.88 સુધી લપસી ગયો હતો. રોકાણકારોમાં ભયનો માહોલ સર્જાતા મોટા પાયે વેચવાલી જોવા મળી હતી.
ક્રૂડ ઓઈલમાં તેજી, વૈશ્વિક ચિંતામાં વધારો
મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી. હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય અંગેની ચિંતાઓ વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં તેજી નોંધાઈ અને પ્રતિ બેરલ ભાવ લગભગ 78 ડોલર સુધી પહોંચ્યો. નિષ્ણાતોના મતે જો તણાવ વધુ વધશે તો વૈશ્વિક બજારમાં તેલના ભાવ પર વધુ દબાણ આવી શકે છે.
સોનાના ભાવમાં મોટો ઘટાડો
એક તરફ શેરબજાર (Stock Market)માં ભારે ઘટાડો નોંધાયો તો બીજી તરફ MCX પર સોનાના ભાવમાં લગભગ ₹2,000 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો. બજાર વિશ્લેષકોનું માનવું છે કે કેટલાક રોકાણકારોએ શેરબજારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સોનામાંથી નફાવસૂલી કરી હોવાથી કિંમતો પર દબાણ આવ્યું.
બજાર કેમ તૂટ્યું?
નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી છે. યુદ્ધની આશંકા વધતાં ઇક્વિટી માર્કેટમાં જોખમ વધ્યું છે, જેના કારણે રોકાણકારોએ મોટા પ્રમાણમાં વેચવાલી કરી હતી. જો મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ ગંભીર બને તો તેલના ભાવ, ફુગાવો અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેની અસર વધુ ઊંડી થઈ શકે છે.
ટ્રમ્પે શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ ઈરાન સાથે કોઈ નવી ડીલ કરવા માંગતા નથી અને અગાઉની વાટાઘાટોનો અંત આવી ગયો હોવાનું જણાવ્યું. તેમના આ નિવેદન બાદ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી ગઈ છે અને રોકાણકારો હવે આગામી રાજકીય અને આર્થિક વિકાસ પર નજર રાખી રહ્યા છે.
