India Gold Loan Market Updates: ભારતના રિટેલ લોન બજારમાં અત્યારે ગોલ્ડ લોન (સોના સામે મળતી લોન) ગ્રાહકોની પહેલી પસંદ બનીને ઉભરી રહી છે. એક તાજેતરના અહેવાલ મુજબ, માર્ચ 2023માં જે ગોલ્ડ લોન બજાર રૂ. 6.3 લાખ કરોડનું હતું, તે માર્ચ 2026માં અકલ્પનીય ઝડપે વધીને રૂ. 19.4 લાખ કરોડ થવાનો અંદાજ છે. ઇન્ટરનેશનલ માર્કેટ અને સ્થાનિક બજારમાં સોનાના ભાવ સતત વધતા આ લોનની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. ખાસ વાત એ છે કે, હવે ગોલ્ડ લોન માત્ર દક્ષિણ ભારત પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ઉત્તર પ્રદેશમાં 138% ની સર્વાધિક વૃદ્ધિ સાથે તે દેશભરમાં ઝડપથી વિસ્તરી રહી છે.
સોનાના ભાવમાં વધારો બન્યો તેજીનું મુખ્ય કારણ
રિપોર્ટ અનુસાર, સોનાના આસમાને પહોંચેલા ભાવ જ આ બજારના વિકાસનું મુખ્ય ચાલક બળ છે:
જેમ જેમ સોનાના ભાવ વધે છે, તેમ તેમ ગ્રાહકો પોતાના સમાન જથ્થાના સોના સામે બેંકો પાસેથી વધુ મોટી રકમ ઉધાર લઈ શકે છે. અભ્યાસના સમયગાળા દરમિયાન સોનાના ભાવ સૂચકાંકમાં 144% નો વધારો થયો છે, જેની સામે લોન મંજૂરીની રકમમાં 200% થી વધુનો જંગી વધારો નોંધાયો છે.
આ ફેરફાર સરેરાશ લોનના કદ (Average Ticket Size) માં પણ સ્પષ્ટ દેખાય છે. નાણાકીય વર્ષ 2023માં ગોલ્ડ લોનનું (Gold Loan) સરેરાશ કદ રૂ. 98,000 હતું, જે નાણાકીય વર્ષ 2026માં વધીને રૂ. 1.96 લાખ થઈ ગયું છે. એટલે કે માત્ર ત્રણ વર્ષમાં જ સરેરાશ લોનની રકમ લગભગ બમણી થઈ છે.
રોજિંદી જરૂરિયાતો માટે પણ Gold Loanનો ઉપયોગ વધ્યો
અગાઉના સમયમાં ગોલ્ડ લોનને માત્ર ઈમરજન્સી કે કટોકટીના સમયે લેવાતી લોન (Gold Loan) તરીકે જોવામાં આવતી હતી, પરંતુ હવે લોકો પોતાની રોજિંદી નાણાકીય જરૂરિયાતો, બિઝનેસ અને અન્ય કામો માટે પણ તેનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણે બેંકો, એનબીએફસી (NBFCs) અને આ ક્ષેત્રની વિશિષ્ટ ગોલ્ડ લોન (Gold Loan) કંપનીઓની ભાગીદારી વધી છે અને તે ઔપચારિક લોન સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે.
પરંપરાગત પ્રદેશોથી આગળ વધીને દેશભરમાં લોકપ્રિયતા વધી
ઐતિહાસિક રીતે દક્ષિણ ભારતના રાજ્યોમાં ગોલ્ડ લોન (Gold Loan) માર્કેટ હંમેશા મજબૂત રહ્યું છે, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. નાણાકીય વર્ષ 2026 ના આંકડા દર્શાવે છે કે:
ઉત્તર પ્રદેશ (UP): વાર્ષિક ધોરણે ગોલ્ડ લોન (Gold Loan)સોર્સિંગમાં 138% ની સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી ટોચ પર છે.
પશ્ચિમ બંગાળ: 112% ની વૃદ્ધિ સાથે બીજા ક્રમે છે.
રાજસ્થાન અને મહારાષ્ટ્ર: અનુક્રમે 105% અને 102% ની શાનદાર વૃદ્ધિ સાથે દેશના અન્ય ભાગોમાં પણ સોના (Gold)સામે લોન લેવાની લોકપ્રિયતા સાબિત કરી રહ્યા છે.
