Business News : આંતરરાષ્ટ્રીય બજારમાં સકારાત્મક સંકેતો અને નબળા અમેરિકન ડોલરના કારણે સોમવારે સોના (Gold) અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કિંમતી ધાતુઓમાં વધતી માંગને કારણે રોકાણકારો ફરીથી ગોલ્ડ અને સિલ્વર તરફ વળ્યા છે.
MCX પર સોના-ચાંદીમાં મોટો ઉછાળો
વૈશ્વિક બજારમાં પણ તેજી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓગસ્ટ ડિલિવરી માટે સોના (Gold)નો ભાવ ₹3,301 વધીને ₹1,53,829 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો હતો. બીજી તરફ, જુલાઈ ડિલિવરી માટે ચાંદી (Silver)નો ભાવ ₹6,296 વધીને ₹2,52,900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં આશરે 2.5 ટકાનો વધારો નોંધાયો. ચાંદીમાં પણ મજબૂત ખરીદી જોવા મળી, જેના કારણે તેના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો.
ભાવ વધારાના મુખ્ય કારણો
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ સર્જાયો છે. સાથે જ અમેરિકન ડોલર નબળો પડતા અન્ય દેશોના રોકાણકારો માટે સોનું (Gold) વધુ આકર્ષક બન્યું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી પણ કિંમતી ધાતુઓને ટેકો મળ્યો છે.
શું સોનું ₹1.60 લાખ સુધી પહોંચી શકે?
બજાર નિષ્ણાતોના મતે જો સોનાનો ભાવ ₹1.55 લાખથી ઉપર ટક્યો રહે તો તેમાં વધુ તેજી જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં સોનાનો ભાવ ₹1.58 લાખથી ₹1.60 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જોકે ભાવ ₹1.50 લાખથી નીચે સરકે તો વેચવાલીનું દબાણ વધી શકે છે.
ચાંદી માટે શું છે સંકેત?
ચાંદીનો ભાવ જો ₹2.55 લાખની સપાટી પાર કરે તો આગામી દિવસોમાં ₹2.58 લાખથી ₹2.60 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રોકાણકારો માટે શું મહત્વનું?
નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ડોલરની ચાલ અને કેન્દ્રિય બેંકોની નીતિઓ આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
